કમ્પાલાઃ માનવી અને વન્ય પ્રાણીઓ વચ્ચેની દુશ્મનાવટ ખેતીકાર્યના જેટલી જ પ્રાચીન છે. યુગાન્ડામાં ખેડૂતો માત્ર ચિમ્પાન્ઝીઓ માટે જ પાક ઉગાડીને પ્રાણીઓ સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની ખાતરી મેળવી રહ્યા છે.
પશ્ચિમ યુગાન્ડાના કાસોનગોઈરે ગામના ખેડૂત સેમ્યુઅલ ઈસિન્ગોમાએ 17 એકરના પ્લોટમાં જેકફ્રુટના 20 વૃક્ષ વાવેલા છે જેની સંપૂર્ણ ઉપજ ચિમ્પાન્ઝીઓ માટે છે. માનવોના પૂર્વજ ગણાતા ચિમ્પાન્ઝીઓ માટે કિંમતી જેકફ્રૂટ્સનું બલિદાન આપતા ઈસિન્ગોમા કહે છે કે હું ચિમ્પ્સને સપોર્ટ કરી જેકફૂટ્સ આપું છું તો તેઓ પણ મને હેરાન કરતા નથી.
માનવીય સમુદાયો પ્રાણીઓની જમીન, વસવાટ અને સંપદા પર અતિક્રમણ કરી રહ્યા છે ત્યારે ગ્લોબલ કન્ઝર્વેશન ઓર્ગેનાઈઝેશન જેન ગૂડઓલ ઈન્સ્ટિટ્યૂટના પ્રોત્સાહન સાથે યુગાન્ડાના ખેડૂતો બંને વચ્ચે તણાવ ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ખેડૂતો સલાહ અપાઈ હતી કે જંગલના પ્રાણીઓ અને વિશેષ કરીને ચિમ્પાન્ઝીઓનો ખોરાક ન હોય તેવા પાક લેવાને ઉત્તેજન મળવું જોઈએ. આથી, ઈસિન્ગોમાએ આઠ વર્ષ અગાઉ મકાઈના બદલે કોફીના દાણા વાવેતર શરૂ કર્યું હતું અને એક ડગલું આગળ વધી ભૂખ્યા ચિમ્પાન્ઝીઓ માટે જેકફ્રૂટ્સની વાવણી કરી હતી. હવે તેમને માનવી અને વન્ય પ્રાણીઓ વચ્ચે દુશ્મનાવટ હોવાનું લાગતું નથી.
ઈસ્ટ આફ્રિકામાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન યુગાન્ડામાં થાય છે અને દેશની વસ્તીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મકાનો અને ખેતરો માટે જગ્યાની જરૂરિયાતના કારણે જંગલનો ઉપયોગ વધવાથી ચિમ્પાન્ઝીઓના સંવર્ધન અને જાળવણી માટે આવશ્યક જગ્યા ઘટતી રહી છે.