શ્રીમતી હસ્મીતા મુકેશ (માઇક) પટેલનો જન્મ કંપાલા, યુગાન્ડામાં જૂન ૧૦, ૧૯૫૯ના રોજ થયો હતો. કમનસીબે છઠ્ઠી ઓગસ્ટે તેમનું અકાળે અવસાન થયું છે.
શ્રીમતી હસ્મીતાના માતા-પિતા સ્વ. મફતભાઈ અને વિનાબહેન પટેલ યુગાન્ડાથી ૧૯૭૨માં ઇંગ્લેન્ડ કાયમી વસવાટ માટે આવ્યા હતા. અહીં શ્રીમતી હસ્મીતાએ સોકરના યુવાન ખેલાડી મુકેશ સાથે ૧૯૮૪માં પ્રભુતામાં પગલાં પાડ્યાં અને યુગલે અમેરિકામાં સ્થળાંતર કર્યું. જેમ દરેક વસાવતીની કથા જાણીતી છે તેમ આ યુગલે પણ ખૂબ મહેનત કરી અને સફળતા મેળવી.
વ્યવસાયી જગત અત્યંત બેરહમ અને ગળાકાપ હોય છે એ જાણીતી હકીકત છે. આમ છતાં શ્રીમતી હસ્મીતાએ પોતાના ઘરમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મના પાયા મજબૂત રાખી કુટુંબનો ઉછેર કર્યો.
હસ્મીતા કાયમ તેના પતિ શ્રી મુકેશ (માઇક) પટેલ, બાળકો દીકરી આયેશા અને દીકરા ઋષિ તેમજ અમેરિકા, ઇંગ્લેન્ડ અને ફિજી, ઓસ્ટ્રેલિયા કેટલાય સગાં-વહાલા અને સંબંધીઓની સ્મૃતિમાં કાયમી ચિરંજીવી રહેશે.
આયેશા અને ઋષિને તેમની માતા શ્રીમતી હસ્મીતા તેમના અને તેમના મિત્રો માટે પ્રવાસ દરમિયાન કે ઘરે ખાસ ખૂબ ઇગ્લિંશ બ્રેકફાસ્ટ બનાવી પિરસતી તે ખૂબ યાદ આવે છે. આયેશા જણાવે છે કે, મમ્મી ખૂબ જ સકારાત્મક વ્યક્તિત્વ ધરાવતી હતી અને તે કુટુંબને કાયમ સાથે રાખી ચાલવામાં માનનાર હતી.
ઋષિ જણાવે છે કે, મમ્મી કાયમ અમારી સાથે સોકરની રમતો નિહાળતી અને તેમ કરતા કરતા તે અમારાથી પણ મોટી સોકર ફેન બની ગઈ હતી! અમારી ટીમ હારી જાય ત્યારે અમે નિરાશ ન થઈએ અને અમારો દિવસ સારો જાય તે માટે ઘરે ખાસ ખૂબ ‘ઇંગ્લિશ બ્રેકફાસ્ટ’ બનાવી પિરસતી. તેને કાયમ સારા લોકો ઘરે આવે તેમને જમાડવાનું અને તેમને રાજી કરવાનું ખૂબ પસંદ હતું. તે મારા યુવા મિત્રો, બાળકો અને ઉંમરલાયક માણસો સાથે જરા પણ ખચકાટ વગર સરળતાથી ભળી જતી. સૌનું ખાસ ધ્યાન રાખતી મેં જોઈ છે. તે ક્યારેય કોઈને પણ માટે મનમાં કડવાશ રાખતી નહીં અને અમને પણ તેમ કરવા સૂચના અચૂક આપતી!
એટલાન્ટાના ભારતીયોમાં શ્રીમતી હસ્મીતા શ્રી મુકેશ પટેલની માયાળુ પત્ની તરીકે જાણીતાં હતાં. સામાન્ય રીતે તેઓ ઘરે આવનાર દરેકને સ્મિત વદને આવકારતાં. પોતાની આગવી રીતે, ઉદારતાથી દરેકને તેઓ જે રીતે રાજી રાખતાં તે બાબત સૌના સ્મૃતિપટ કાયમ માટે રહેશે.