• કોરોના મહામારીમાં પણ કેન્યાની બેંકો સદ્ધરઃ કોરોના મહામારીને લીધે બજારમાં આવેલા આંચકા પચાવીને પણ કેન્યાનો બેંકિંગ ઉદ્યોગ યથાવત રહ્યો છે. કેન્યા બેંકર્સ એસોસિએશન (KBA) સ્ટેટ ઓફ ધ બેંકિંગ ઈન્ડસ્ટ્રી (SBI) રિપોર્ટ ૨૦૨૦ મુજબ બેંકો, નાણાકીય સિસ્ટમમાં કોઈપણ અસ્થિરતા વિના હાલ પ્રવર્તમાન આર્થિક મંદીને લીધે ઉભા થયેલા આંચકા પચાવવા માટે પૂરતી મૂડી સાથે સજ્જ છે. પ્રાઈવેટ સેક્ટરના ક્રેડિટ ગ્રોથની મદદથી બેંકિંગ સિસ્ટમની એસેટ્સમાં સતત વધારો થઈ રહ્યો છે. આ રિપોર્ટના તારણ ૨૦૧૯ને વિશેષ ધ્યાનમાં રાખીને બેંકિંગ ઉદ્યોગની છેલ્લાં ૧૬ વર્ષની કામગીરીના સર્વગ્રાહી વિશ્લેષણ પછી જારી કરાયા છે.
• એમ્બેસી સ્ટાફની ઝૂમ પર કેશ ચોરવાની યોજનાઃ ડેન્માર્કની યુગાન્ડા એમ્બેસીના સ્ટાફ દ્રારા ઝૂમ મીટિંગ યોજવામાં આવી હતી અને ગયા જૂનમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન તેઓ જે સરકારી નાણાં ખર્ચી શક્યા ન હતા તે કેવી રીતે વહેંચી લેવા તેના વિશે ચર્ચા કરી હતી. આ બેઠકની ઓડિયો ક્લિપમાં કોપનહેગનની એમ્બેસીમાં આ રાજદૂતો તેમના જૂનિયર સ્ટાફ સાથે બેસીને નાણાંની વહેંચણી બાબતે સંમત થયા હોવાનું જણાયું હતું. વિદેશ મંત્રાલયના સૂત્રોએ આ ક્લિપમાંનો અવાજ તેમના અધિકારીઓનો હોવાને સમર્થન આપ્યું હતું. કાયદા મુજબ દર નાણાંકીય વર્ષના અંતે સરકારી સંસ્થાઓએ વપરાયા વિનાના નાણાં કમ્પાલાની ટ્રેઝરીમાં જમા કરાવી દેવાના હોય છે.
• યુગાન્ડાની જેમ્સ કેમ્બ્રીજ સ્કૂલ ડિસેમ્બરમાં બંધ થશેઃ કોવિડ-૧૯ મહામારીને લીધે દુનિયામાં બિઝનેસ તેમજ જનજીવન ખોરવાઈ રહ્યું છે ત્યારે યુગાન્ડાની જેમ્સ કેમ્બ્રીજ ઈન્ટરનેશનલ સ્કૂલ, કમ્પાલા (CIK) આગામી ૩૧ ડિસેમ્બરથી હંગામી ધોરણે બંધ થશે. GEMS આફ્રિકાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રીઝ એહમદના જણાવ્યા મુજબ યુગાન્ડામાં ૨૦૧૩માં સ્થપાયેલી સ્કૂલ બંધ કરવાનો નિર્ણય તમામ વિકલ્પો અજમાવ્યા પછી લેવાયો હતો. તેમણે ઉમેર્યું કે ઘટતી જતી પ્રવેશ સંખ્યા તેમજ સંચાલન યથાવત રાખવાની તેમની ક્ષમતા સાથે કોરોના મહામારી અને તેના પરિણામે સર્જાયેલી અનિશ્ચિતતા કસોટીજનક પૂરવાર થઈ છે. સરકારે બે મહિનાના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી તેના એક અઠવાડિયા અગાઉ ગયા માર્ચમાં યુગાન્ડામાં સ્કૂલો બંધ થઈ હતી.