• યુગાન્ડામાં લોકડાઉનનો ભંગ કરનારની ધરપકડ
યુગાન્ડાના પ્રમુખ મુસેવેની દ્વારા કોવિડ – ૧૯ના ઘરે જ રહેવા અપાયેલા આદેશ છતાં કમ્પાલામાં ચીજવસ્તુઓ વેચતા ફેરિયાઓની પાછળ પોલીસ પડી હતી. ૪૨ દિવસનું લોકડાઉન હોવા છતાં શહેરમાં વ્યાપારી પ્રવૃત્તિઓ કરી રહેલા ૨૦૦થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. કમ્પાલા પોલીસના પ્રવક્તા લ્યુક ઓવોયેસિગ્યિરે જણાવ્યું કે ગાઈડલાઈન મુજબ ફેરિયાઓ અને લોકોને રસ્તા પર ચીજવસ્તુ વેચવા પર મનાઈ છે છતાં તેવા ૨૦૦ લોકો મળતા તેમની ધરપકડ કરાઈ હતી.
• સેન્ટ્રલ આફ્રિકાના વડા પ્રધાન સહિત કેબિનેટનું રાજીનામુ
ફર્મીન ન્ગ્રેબાડાએ તેમની સંપૂર્ણ કેબિનેટ સાથે સેન્ટ્રલ આફ્રિકાના વડા પ્રધાનપદેથી રાજીનામુ આપી દીધું હતું. ન્ગ્રેબાડને ફેબ્રુઆરી ૨૦૧૯માં વડા પ્રધાન બનાવાયા હતા. આ નિમણુંક પહેલા તેમણે પ્રેસિડેન્ટ ફોસ્ટિન – અર્ચાન્જે ટાઉડેરાના ચીફ ઓફ કેબિનેટ તરીકે ફરજ બજાવી હતી. પ્રેસિડેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે ન્ગ્રેબાડાને નવી સરકારનું નેતૃત્વ સંભાળવા માટે કહેવામાં આવે તેવી શક્યતા છે.
ભૂતપૂર્વ કોલોનિયલ શાસક ફ્રાન્સ સાથેના રાજકીય અને રાજદ્વારી સંબંધો તંગ થવાને લીધે તેમણે રાજીનામુ આપ્યું હતું. ૨૦૧૮માં રશિયાની એન્ટ્રી થતાં ફ્રાન્સનું પ્રભુત્વ ઘટી ગયું હતું.
• નાઈજીરીયાએ ટ્વિટર પર પ્રતિબંધ મૂ્ક્યો
દેશના રાજકારણમાં દખલગીરી કરવા બદલ નાઈજીરીયન સરકારે ટ્વિટર પર અચોક્કસ મુદત માટે પ્રતિબંધ મૂક્યો હતો. ટ્વિટરે નાઈજીરીયાના પ્રમુખ મુહમ્મદુ બુહારીએ નાઈજીરીયામાં અશાંતિ ફેલાવનારાઓને ટ્વિટ દ્વારા ચેતવણી આપી હતી. અલગતાવાદી આંદોલનો સામે ચેતવણીની આ ટ્વિટને ટ્વિટરે ડિલીટ કરી હતી અને તેમનું ટ્વિટર એકાઉન્ટ બાર કલાક માટે સસ્પેન્ડ કર્યું હતું. તેના વળતા પગલામાં આ કાર્યવાહી થઈ હતી. ઈન્ફર્મેશન મિનિસ્ટર લાઈ મોહમ્મદે ૪ જૂને આ નિર્ણયની જાહેરાત કરી હતી.
• BBC તપાસના અહેવાલ બાદ એડિટરને પોલીસનું તેડું
પોલીસ દ્વારા ગયા વર્ષે કરાયેલી હત્યાઓની બીબીસી દ્વારા થયેલી તપાસના તારણો વિશે અહેવાલ આપવા બદલ પોલીસે યુગાન્ડાના સૌથી મોટા અખબારો પૈકી એક ડેઈલી મોનિટરના એડિટર તાબુ બુટાગીરાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ સમાચાર તે અખબારની ૩૧મેની આવૃત્તિમાં પહેલા પાને પ્રકાશિત થયા હતા. આ અખબારની માલિકી ધરાવતા નેશન મીડિયા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર ટોની ગ્લેનક્રોસને પણ પૂછપરછ માટે બોલાવાયા છે. આ બન્ને પર ખોટા સમાચાર છાપવાની, બદનક્ષી અને ઉશ્કેરણી કરવાની શંકા છે. ગ્લેનક્રોસે જણાવ્યું કે તે બન્ને સમન્સનું પાલન કરશે
• સેનેગલે પ્રમુખ માટે ખૂબ મોંઘુ જેટ ખરીદ્યું
કોરોના મહામારીનો સામનો કરી રહેલા સેનેગલમાં તેના પ્રમુખ મેકી સોલ માટે ખરીદવામાં આવેલા નવા જેટ વિમાનને નાણાંનો વ્યય ગણાવીને લોકોએ તેની ટીકા કરી હતી. ફાઈનાન્સ અને બજેટ મિનિસ્ટર અબ્દૌલાયે દાઉદા દિયાલોએ તાજેતરમાં સંસદમાં જણાવ્યું હતું કે એરબસ A 320ને લીધે ટેક્સપેયરોને ૧૧૦ મિલિયન ડોલરનો બોજ પડશે. સેનેગલ આ વિમાનની ડિલીવરી જુલાઈમાં લેશે તેવી શક્યતા છે. સરકારી પ્રવક્તાએ આ ખર્ચને જરૂરી ગણાવીને તેનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ૨૦૧૧થી સેવામાં લેવાયેલું A 319 વિમાન જૂનું થઈ ગયું હોવાથી તે બદલવાની જરૂર હતી.