• સુદાનના વડા પ્રધાન હેમ્ડોકને નજરકેદ કરાયા
લશ્કરી દળોએ સુદાનના વડા પ્રધાન અબ્દલ્લાહ હેમ્ડોકને નજરકેદ કર્યા હોવાનું અને કેટલાંક પ્રધાનોને અટકમાં લીધાં હોવાનું અલ – હદાથ ટીવી દ્વારા જણાવાયું હતું. સોમવારે વહેલી સવારે લશ્કરી દળોએ વડા પ્રધાનને નજરકેદ કર્યા પહેલા તેમના નિવાસસ્થાનને ઘેરી લીધું હતું. અન્ય જે લોકોને અટકમાં લેવાયા હતા તેમાં ઉદ્યોગ પ્રધાન ઈબ્રાહીમ અલ – શેખ અને ખાર્તુમના ગવર્નર અયમાન ખાલિદ, માહિતી પ્રધાન હમઝા બલૌલ, વડા પ્રધાનના મીડિયા સલાહકાર ફૈઝલ મોહમ્મદ સાલેહનો સમાવેશ થાય છે.
• કમ્પાલામાં વિસ્ફોટઃ ૧નું મૃત્યુ, પાંચ ઘાયલ
કમ્પાલા શહેરના કાવેમ્પે ડિવિઝનમાં જાણીતી રેસ્ટોરન્ટ સ્ટ્રીપમાં શનિવારે થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને પાંચ લોકો ઘાયલ થયા હતા. પ્રેસિડેન્ટ યોલ્રી મુસેવેનીએ જણાવ્યું હતું કે આ એક આતંકવાદી કૃત્ય હતું. તેમણે જવાબદાર લોકોને ઝડપી પાડવાનું વચન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે તેમને મળેલી માહિતી પ્રમાણે ત્રણ લોકો ઘટનાસ્થળે પેકેટ મૂકી ગયા હતા અને પાછળથી તેમાં વિસ્ફોટ થયો હતો.તેમણે જણાવ્યું કે વિસ્ફોટ સ્થળે તપાસ ચાલી રહી છે અને વધુ વિગતો પાછળથી જાહેર કરાશે.
• DR કોંગોમાં હુમલામાં ૧૬ નાગરિકોનું મોત
અશાંત પૂર્વ DR કોંગોના ઉત્તર કિવુ પ્રાંતમાં બેની પ્રદેશમાં માયેલે, કાલેમ્બો અને ટોયા ગામોમાં માં તાજેતરમાં હુમલાખોરોએ કરેલા હુમલામાં૧૬ નાગરિકોનું મૃત્યુ થયું હોવાનું કિવુ સિક્યુરિટી ટ્રેકરે જણાવ્યું હતું અને આ હુમલામાં અલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ સંડોવાયેલ હોવાની શંકા વ્યક્ત કરી હતી. હુમલાખોરોને ખાળવામાં લશ્કર નિષ્ફળ રહ્યું હોવાનો આક્ષેપ કરતાં સિવિલ સોસાયટી કો - ઓર્ડિનેટર માલેકી મુલાલાએ જણાવ્યું કે મૃત્યુ આંક ૧૮ હશે અને ૧૨થી વધુ લોકો લાપતા છે. મૃતકોમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.