• DR કોંગોમાં ૨૭ બળવાખોરો ઠાર, ૪ સૈનિકનું મૃત્યુ
બ્રાઝાવિલઃ દેશના ઉત્તરપૂર્વ ભાગના કેટલાંક ગામોમાં બે દિવસની અથડામણમાં ચાર સૈનિકો અને ૨૭ બળવાખોરો ઠાર મરાયા હતા. આ અથડામણો ઈતુરી પ્રાંતના દજુગુ પ્રદેશના બે ગામોમાં થઈ હતી. કોઓપરેટિવ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ કોંગો (CODECO) ગ્રૂપના ઉગ્રવાદીઓએ ચાર વિસ્તારોમાં ૨૦થી વધુ ઘર સળગાવી દીધા અને સૈન્યની પોસ્ટ પર હુમલો કર્યો તે પછી અથડામણ થઈ હતી. ઘટનાસ્થળેથી એકે - ૪૭ જેવા ત્રણ હથિયારો મળી આવ્યા હતા. અન્ય અથડામણમાં નજીકના નોર્થ કિવુ પ્રાંતમાં સૈન્યે અલાઈડ ડેમોક્રેટિક ફોર્સ ગ્રૂપના ત્રણ બળવાખોરોને ઠાર માર્યા હતા.
• પશ્ચિમ સહરાના મુદ્દે ફરી વાટાઘાટો માટે યુએનનો અનુરોધ
વિવાદાસ્પદ પ્રદેશમાં એક વર્ષ માટે તેના મિશનની નવેસરથી રચના કરતા યુએન સિક્યુરિટી કાઉન્સિલે પશ્ચિમ સહરાના ઉકેલ માટે તમામ પક્ષોને વાટાઘાટો શરૂ કરવાનો અનુરોધ કર્યો હતો. આ મુદ્દે યુએનના નવા પ્રતિનિધિ સ્ટેફન દ મિસ્તુરાના ઠરાવમાં લાંબા સમયના સર્વ સ્વીકૃત રાજકીય ઉકેલ લાવવા માટે તમામ પક્ષોને કોઈપણ પૂર્વશરત વિના અને સદભાવ સાથે વાટાઘાટોની ફરી શરૂઆતનો અનુરોધ કરાયો હતો. ઠરાવમાં પશ્ચિમ સહરાના લોકો કૃતનિશ્ચયી બને તેવું લક્ષ્ય રાખવા અપીલ કરાઈ હતી. આ બાબત રશિયાની ભલામણને લીધે અમેરિકાએ ઉમેરી હતી.
• સુદાનની સહાય અટકાવવા બદલ અમેરિકાની ટીકા
સુદાનને ૭૦૦ મિલિયન ડોલરની સહાય અટકાવી દેવાના અમેરિકાના નિર્ણયની સુદાનના મુખ્ય વિપક્ષી ગઠબંધન ફોર્સીસ ફોર ફ્રિડમ એન્ડ ચેન્જ (FFC) ના પ્રવક્તાએ એમ જણાવીને ટીકા કરી હતી કે અગાઉના ભૂતપૂર્વ પ્રમુખ ઉમર અલ – બશીરના શાસનમાં જે કંઈ થયું તેને માટે સુદાનને સજા થવી જોઈએ નહીં. દેશના લશ્કરે ગયા સોમવારે નેતાઓ અને અધિકારીઓની ધરપકડ કરી તે પછી અમેરિકાએ આ સહાય અટકાવી દીધી હતી. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે તેઓ લશ્કરી દળોની કાર્યવાહીને વખોડી કાઢે છે.
• યુગાન્ડાની કંપનીએ ગાંજાની જર્મની નિકાસ કરી
ગાંજો ઉગાડવા અને મેડિકલ કેનાબી તૈયાર કરવાનું લાઈસન્સ ધરાવતી યુગાન્ડાની ઈન્ડસ્ટ્રિયલ હેમ્પ યુગાન્ડા કંપનીએ ૧૬ ઓક્ટોબરે ૪૦૦ કિલો ગાંજાની જર્મની નિકાસ કરી હતી. સરકારે આ બિઝનેસની પરવાનગી આપી તે પછી વિદેશમાં આ ચોથી નિકાસ હતી. એક કિલો મેડિકલ ગાંજાની કિંમત Ush ૧૮ મિલિયન (૫,૦૦૬ ડોલર) થાય છે. તેનો ઉપયોગ કેન્સર જેવી લાંબી બીમારીના દર્દીના દુઃખાવાને નિયંત્રિત કરવામાં થાય છે. કંપનીના ડિરેક્ટર બેન્જામીન કેડેટે જણાવ્યું હતું કે કંપનીની ક્ષમતા વાર્ષિક ૩૦ ટન મેડિકલ ગાંજાના ઉત્પાદનની છે, પરંતુ કોવિડ – ૧૯ને લીધે તેમના બિઝનેસને અસર થઈ રહી છે.