જોહાનિસબર્ગઃ ભ્રષ્ટાચાર વિશેની તપાસમાં હાજરી આપવામાં નિષ્ફળ રહેવા બદલ ફરમાવાયેલી ૧૫ મહિનાની જેલની સજાને રદ કરાવવાના ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાના પ્રયાસને દક્ષિણ આફ્રિકાની બંધારણ કોર્ટે ૧૭ સપ્ટેમ્બરે નિષ્ફળ બનાવ્યો હતો. જસ્ટિસ સીસી ખામ્પેરેએ જજોનો બહુમતી ચુકાદો વાંચી સંભળાવતા જણાવ્યું કે સજા રદ કરવા અંગેની ઝૂમાની અરજી રદ કરવામાં આવે છે. આ આદેશમાં ઝૂમાને કોસ્ટ ચૂકવવા પણ જણાવાયું હતું. ૭૯ વર્ષીય પીઢ નેતા ઝૂમા માટે આ તાજેતરનો આંચકો હતો.
૨૦૦૯થી ૨૦૧૮ દરમિયાન પ્રેસિડેન્ટપદે તેમના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહેલી સરકાર સમર્થિત તપાસમાં જુબાની આપવા માટે બંધારણીય કોર્ટે ઝૂમાને કરેલા આદેશનો અનાદર કરવા બદલ તેમને સજા થઈ હતી. કોર્ટે તેમને જ્યુડિશિયલ કમિશન સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો.
૮ જુલાઈએ ઝૂમાને જેલમાં મોકલી અપાયા હતા.તેમને ડરબનથી ઉત્તર – પશ્ચિમમાં ૧૮૦ કિ.મી.ના અંતરે આવેલી પૂર્વી ક્વાઝૂલૂ - નાતાલ પ્રાંતની એસ્ટકોર્ટ જેલ ખાતે રખાયા હતા. જેલવાસ દરમિયાન તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમના પર સર્જરી પણ કરાઈ હતી. હાલ ઝૂમા મેડિકલ પેરોલ પર છૂટેલા છે.
અગાઉ ઝૂમાને જેલમાં મોકલી અપાયા તે પછી ક્વાઝૂલુ - નાતાલ અને ગૌતેંગ પ્રાંતમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. એક અઠવાડિયા સુધી ચાલેલા તોફાનોમાં ૩૩૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને માલ – મિલ્કતને જંગી નુક્સાન થયું હતું.