નાઈરોબીઃ / કમ્પાલાઃ યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ સોસાયટી UNICEFના જાતીય હિંસા સંબંધિત સૌપ્રથમ રિપોર્ટ અનુસાર સબ-સહારાન આફ્રિકામાં 79 મિલિયનથી વધુ છોકરીઓ પર બળાત્કાર અને જાતીય હુમલાઓ થયા હતા. સમગ્ર વિશ્વમાં અંદાજે 370 મિલિયનથી વધુ છોકરીઓ 18 વર્ષની થાય તે પહેલા સેક્સ્યુઅલ હિંસાનો શિકાર બને છે. આઠ છોકરી અને મહિલામાંથી એકને બળાત્કાર અને જાતીય હિંસાનો શિકાર બનવું પડ્યું હોય છે. બીજી તરફ, ઓનલાઈન, શાબ્દિક જેવી સંપર્કરહિત હિંસાને ધ્યાનમાં લઈએ તો આંકડો 650 મિલિયન અથવા તો દર પાંચમાંથી એક મહિલા તેનો શિકાર બને છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે છોકરીઓ અને મહિલાઓને સૌથી ખરાબ અસર પહોંચે છે ત્યારે 240થી 310 મિલિયન અથવા તો 11માંથી એક છોકરાઓ અને પુરુષોએ પણ તેમના બાળપણમાં બળાત્કાર અથવા જાતીય હુમલાનો અનુભવ કર્યો છે.
બાળકો સામેની જાતીય હિંસા વ્યાપક હોવાનું રિપોર્ટ જણાવે છે. કેન્યા, યુગાન્ડા, અંગોલા, ઈથિયોપિયા, ટાન્ઝાનિયા, મોઝામ્બિક, નાઈજિરિયારવાન્ડા, સાઉથ આફ્રિકા, સુદાન, ઝામ્બીઆ, ઝિમ્બાબ્વે સહિત 50 સબ સહારાન દેશો (79 મિલિયન) પછી પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયા (75 મિલિયન), મધ્ય અને દક્ષિણ એશિયા (73 મિલિયન), યુરોપ અને ઉત્તર અમેરિકા (68 મિલિયન), લેટિન અમેરિકા અને કેરેબિયન્સ (45 મિલિયન), ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ એશિયા (29 મિલિયન) તેમજ ઓશેનિયા (6 મિલિયન)નો સમાવેશ થાય છે.