નાઈરોબીઃ કેન્યામાં ખેતીના વિસ્તરણ અને જંગલો ઓછાં થવાં ઉપરાંત, ક્લાઈમેટ ચેઈન્જના કારણે સાપ માનવીઓના વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. વરસાદમાં સાપ તણાઈને ઘરોમાં આવી જાય છે અને વરસાદ ન હોય ત્યારે ખોરાકની શોધમાં આવી જાય છે. માનવીઓ અને પ્રાણીઓમાં સર્પદંશની ઘટનાઓ વધી રહી છે. સમયસર સારવારના અભાવથી મોતનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે વિજ્ઞાનીઓમાં સાપના ઝેરવિરોધી રસી બનાવવાની હોડ લાગી છે.
કેન્યાની ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્રાઈમેટ રિસર્ચ (IPR) કેન્યામાં દર વર્ષે આશરે 20,000ને સાપ ડસે છે જેમાંથી 4000 કેસમાં મોત નીપજે છે અને 7000 કેસીસમાં પેરાલિસીસ અથવા આરોગ્યની અન્ય સમસ્યાઓ સર્જાય છે. કેન્યા સ્નેકબાઈટ રિસર્ચ એન્ડ ઈન્ટરવેન્શન સેન્ટર(KSRIC)ના જણાવ્યા મુજબ સર્પદંશના 60 ટકા શિકાર ભારે ખર્ચાના કારણે હોસ્પિટલની સારવાર લેતા નથી પરંતુ, બિનઅસરકારક પરંપરાગત પદ્ધતિઓનો આશરો લે છે.
કેન્યા મેક્સિકો અને ભારતમાંથી એન્ટિવેનોમની આયાત કરે છે પરંતુ, 50 ટકા આયાતી એન્ટિવેનોમ બિનઅસરકારક રહે છે. મૂળભૂત રીતે એન્ટિવેનોમ પ્રદેશ આધારિત હોય છે એટલે કે એક પ્રદેશમાં ઝેરથી બનાવાયેલી એન્ટિવેનોમ અલગ વિસ્તારમાં સંર્પદંશની અસરકારક સારવાર કરી પણ ન શકે. લિવરપૂલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિન સાથે મળીને KSRIC સંર્પદંશથી થતાં મોતનું પ્રમાણ ઘટાડવા સ્થાનિક નિષ્ણાત જ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સંશોધનની સહાયથી અસરકારક એન્ટિવેનોમ વિકસાવવા સક્રિયપણે કાર્યરત છે.