કમ્પાલાઃ યુગાન્ડામાં 2026ની સામાન્ય ચૂંટણી નજીક આવતી જાય છે ત્યારે લોકસંપર્કના અભાવ અને ગત ચૂંટણીમાં અપાયેલાં વચનો પરિપૂર્ણ નહિ કરાવા બાબતે યુગાન્ડાવાસીઓ તેમના સાંસદોથી નારાજ છે. ત્વાવેઝા-યુગાન્ડાનો 2024નો એક અભ્યાસ જણાવે છે કે 86 ટકા નાગરિકો કહે છે કે ચૂંટાયા પછી સાંસદોએ કદી તેમનો સંપર્ક કર્યો નથી કે પ્રતિભાવ મેળવવા જાહેર સભા પણ સંબોધી નથી. માત્ર 14 ટકા નાગરિકો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોએ કોઈ પ્રકારના લોકસંપર્કનો રિપોર્ટ કર્યો છે.
અભ્યાસના પ્રોગ્રામ ઓફિસરના જણાવ્યા મુજબ 57 ટકા નાગરિકોને તેમના સાંસદોએ ચૂંટણીમાં આપેલા વચનો યાદ છે. 45 ટકાના કહેવા મુજબ માર્ગો, શાળાઓ, આરોગ્ય સુવિધાઓ અને વીજળીની સવલત સહિતના મહત્ત્વના વચનો પૂર્ણ કરાયા નથી.
સાંસદોની ભૂમિકા વિશે લોકોના મત પણ વિભિન્ન છે. બહુમતી 64 ટકા લોકો માને છે કે સાંસદો પ્રજાની જરૂરિયાતો સરકાર સુધી પહોંચાડવાના માધ્યમ છે અને મતક્ષેત્ર સાથે સંપર્ક જાળવી સપોર્ટ પૂરો પાડનારા છે. સાંસદો સાથે સંપર્ક કરી શકનારા થોડાઘણા નાગરિકોમાં 56 ટકાનો સંપર્ક પ્રત્યક્ષપણે, જાહેરસભાઓ થકી (30 ટકા) અને સ્થાનિક નેતાઓ મારફત (18 ટકા)નો સમાવેશ થાય છે.