કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાના ગાઉટેન્ગ પ્રોવિન્સની હેલ્થકેર કંપનીમાં પૂર્વ એકાઉન્ટન્ટ હિલ્ડેગાર્ડ સ્ટીનકેમ્પને 13 વર્ષના સમયગાળામાં 28 મિલિયન ડોલર (23 મિલિયન પાઉન્ડ)ની ઉચાપત બદલ 50 વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. સ્ટીનકેમ્પે અગાઉ પ્રોડના 336 કાઉન્ટના ગુનાની કબૂલાત કરતાં કહ્યું હતું કે તેના શોષણખોર પતિએ તેની પાસે મબળજબરીથી ઉચાપતો કરાવી હતી. જોકે, મેજિસ્ટ્રેટ ફિલિપ વેન્ટરે તેના આ બચાવને ફગાવી દીધો હતો.
ફોરેન્સિક તપાસકારોએ શોધી કાઢ્યું હતું કે સ્ટીનકેમ્પે ચોરેલા નાણાનો ઉપયોગ ખર્ચાળ જુગાર સાહસો, જ્વેલરીની ખરીદી અને વારંવાર વિદેશી પ્રવાસો સહિત વૈભવી જીવન જીવવામાં કર્યો હતો. તેણે એક વખત કેસિનોમાં જુગારની રમતમાં 263,000 ડોલર ગુમાવ્યા હતા. તેણે દુબઈ સહિત વિદેશ પ્રવાસોમાં આશરપે 1.6 મિલિયન ડોલર ખર્ચ્યાં હતાં. સ્ટીનકેમ્પે 2017માં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું અને કંપનીના ડેટાબેઝની સત્તાની સુવિધા થકી ક્રેડિટર્સની માહિતીઓ મેળવી હતી. તેણે 2018માં સત્તાવાળા સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી હતી.