જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકામાં સરકાર રચવા અને પ્રમુખપદ મુદ્દે રાજકીય મડાગાંઠ સર્જાયેલી છે ત્યારે સ્પોર્ટ્સ, આર્ટ્સ અને કલ્ચર મિનિસ્ટર ઝિકી કોડવાની ભ્રષ્ટાચારના આરોપ સાથે ધરપકડ કરાઈ છે. લાંચ લેવાના આરોપમાં મિનિસ્ટર કોડવા અને સહઆરોપી જેહાન મેક્કેને બુધવાર 5 જૂને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન ઝિકી કોડવાને જામીન પર મુક્ત કરાયા હતા.
જોહાનિસબર્ગ સિટી દ્વારા મેટ્રો સિટીની સોફ્ટવેર સિસ્ટમ્સને અપગ્રેડ કરવા અપાયેલા કોન્ટ્રાક્ટ્સ સંબંધે મિનિસ્ટરે 1.6 મિલિયન રેન્ડ (85,000 ડોલર)ની લાંચ લીધી હોવાનું અખબારી અહેવાલોમાં જાહેર થયું હતું. આફ્રિકન નેશનલ કોંગ્રેસના નેતાઓ અને અન્યોને સાંકળતા ભ્રષ્ટાચારના આરોપોમાં તપાસ કરતી 2021ની જ્યુડિશિયલ ઈન્ક્વાયરીમાં કોડવાને બિઝનેસમેન પાસેથી લાંચ લેવામાં દોષિત ગણાવાયા હતા.