કેપ ટાઉનઃ યુક્રેન પર આક્રમણના મુદ્દે રશિયાને વખોડવા પશ્ચિમી દેશો સાથે જોડાવાનો સતત ઈનકાર કરી રહેલા દક્ષિણ આફ્રિકાએ ચીન અને રશિયા સાથે સંયુક્ત નૌકાદળ યુદ્ધાભ્યાસ કરવાની જાહેરાત કરી છે. આ યુદ્ધાભ્યાસ 17થી 27 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ ડ્રીલને ઓપરેશન મોસી નામ અપાયું છે.
દક્ષિણ આફ્રિકન મિલિટરીએ નિવેદનમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરીમાં તેમના દેશની યજમાની હેઠળ ચીન અને રશિયન ફેડરેશનના નોકાદળો સાથે સંયુક્ત દરિયાઈ યુદ્ધાભ્યાસ યોજાશે. સાઉથ આફ્રિકા, ચીન અને રશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા યોજાનારી આ કવાયત દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા બંદર ડર્બન અને રિચાર્ડ બે વચ્ચેના સમુદ્રમાં કરવામાં આવશે. અગાઉ, આવો યુદ્ધાભ્યાસ 2019ના નવેમ્બરમાં કેપ ટાઉન ખાતે યોજાયો હતો.
દરમિયાન વિપક્ષી ડેમોક્રેટિક એલાયન્સે નૌસેના અભ્યાસના નિર્ણયને વખોડતા જણાવ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં તટસ્થ રહેવાના બદલે શાસક આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટીની સરકાર રશિયાનો દેખીતો પક્ષ લઈ રહી છે.