જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકામાં રંગભેદના અંત સાથે 30 વર્ષથી સત્તા પર રહેલી પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) માટે 29 મેએ યોજાઈ રહેલું જનરલ ઈલેક્શન ભારે મુશ્કેલ બની રહેવાનું છે. ઓપિનિયન પોલ્સ તો સૂચવે છે કે ANC સૌપ્રથમ વખત બહુમતી ગુમાવી શકે છે. સાઉથ આફ્રિકાની સર્વોચ્ચ બંધારણીય કોર્ટે આંચકાજનક ચુકાદામાં પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમા તેમને 2021માં કરાયેલી 15 મહિનાની જેલની સજાના કારણે દેશની પાર્લામેન્ટની બેઠક માટે પાંચ વર્ષ સુધી ઉમેદવારી નહિ કરી શકે તેમ સ્પષ્ટ કર્યું છે. 2009થી 2018 સુધી પ્રમુખપદે રહેલા ઝૂમા નવી રચાયેલી MKપાર્ટીના મુખ્ય નેતા છે. એપ્રિલ મહિનામાં ઈપ્સોસ દ્વારા કરાયેલા સર્વેમાં તેને 8 ટકાથી વધુ મત અને આફ્રિકન નેશનલ કોંગ્રેસને 40 ટકાથી થોડા વધુ મત મળ્યા હતા.
એક સમયે ભારે લોકપ્રિય રહેલી ANCની પ્રતિષ્ઠા ઊંચી બેરોજગારી, ગરીબી, અને ભ્રષ્ટાચારના કૌભાંડોથી ખરડાઈ છે. પ્રેસિડેન્ટ સીરિલ રામફોસા ફરીથી ચૂંટાઈ આવવા તત્પર છે તેવામાં જો આફ્રિકન નેશનલ કોંગ્રેસ બહુમતી ગુમાવશે તો સૌપ્રથમ વખત ગઠબંધન સરકાર રચવાની ફરજ પડશે જેની અસર આફ્રિકાના સૌથી પ્રગતિશીલ અર્થતંત્રમાં નીતિઘડતરને પડવાની છે. પૂર્વ પ્રમુખ 81 વર્ષીય જેકોબ ઝૂમા આ ચૂંટણીમાં ગણનાપાત્ર પરિબળ બની રહેશે. ઝૂમાની પાર્ટી મુખ્ય ત્રણ રાજકીય પક્ષોને પડકાર આપવાની સ્થિતિમાં નથી પરંતુ, ક્વાઝુલુ-નાતાલ પ્રોવિન્સમાં ઝૂમાનો ભારે દબદબો છે ત્યારે ANCના મતોનું ધોવાણ કરી શકે છે.
સાઉથ આફ્રિકનો પ્રમુખની પ્રત્યક્ષ ચૂંટણી કરતા નથી પરંતુ, રાજકીય પક્ષોને મત આપે છે. મતપત્રોમાં તેમના હિસ્સાના આધારે તેમને પાર્લામેન્ટમાં બેઠકો ફાળવાય છે અને સભ્યો સરકારના વડાની પસંદગી કરે છે. ANCહજુ સૌથી વધુ મતહિસ્સો જીતવાની ધારણા છે પરંતુ, જો તે 50 ટકાથી ઓછો હશે તો રામફોસાને ફરી પ્રમુખ બનવા સાથી પક્ષોના સહકારની જરૂર પડશે. ANCના શાસનમાં રામફોસા 2014માં ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને ઝૂમાના રાજીનામા પછી 2018માં પ્રેસિડેન્ટ બન્યા હતા. તેમના પ્રમુખપદના ગાળામાં બેરોજગારી 32 ટકા વધી તેમજ 62 મિલિયન લોકોના દેશમાં વીજપૂરવઠો વારંવાર નિષ્ફળ રહેતો હતો.
મુખ્ય વિરોધ પક્ષ જમણેરી ડેમોક્રેટિક એલાયન્સ (DA) છે જેના નેતા જ્હોન સ્ટિનહુસેન છે. ANCના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટમાંથી દેશને બચાવવાની ખાતરી આપવા છતાં 2019ની સામાન્ય ચૂંટણીમાં DA નો મતહિસ્સો માત્ર 22 ટકા રહ્યો હતો જ્યારે ANCનો હિસ્સો 62 ટકા હતો. જુલિયસ માલેમા દ્વારા 2013માં સ્થાપિત ઈકોનોમિક ફ્રીડમ ફાઈટર્સ (EFF) પક્ષ પાર્લામેન્ટમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો પક્ષ છે. કોઈ સત્તાવાર સમજૂતી થઈ ન હોવાં છતાં, ANCને બહુમતી ન સાંપડે તો EFF સત્તામાં તેનો સાથીદાર બની શકે છે.