જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાએ કેનાબીસ-ગાંજાને ઉગાડવા અને તેના ઉપયોગ કરવાને કાયદેસર બનાવેલ છે. જોકે, બાળકોની હાજરીમાં તેનો ઉપયોગ કરી શકાશે નહિ. આ સાથે દેશમાં માદક દ્રવ્યોના કાયદામાં ભારે ફેરફાર આવ્યો છે. હવે કેનાબિસના વેપારને પણ કાયદેસર બનાવવાનું અભિયાન શરૂ થઈ રહ્યું છે. સમગ્ર આફ્રિકા ખંડની નજર સાઉથ આફ્રિકા પર મંડાઈ છે. અન્ય કેટલા દેશ તેને અનુસરશે તે જોવાનું રહે છે.
દક્ષિણ આફ્રિકાની 29મેની સામાન્ય ચૂંટણીના આગલા દિવસે પ્રેસિડેન્ટ સીરિલ રામફોસાએ કેનાબિસ ફોર પ્રાઈવેટ પરપઝીસ એક્ટ પર સહી કરી હતી જેના પરિણામે, સાઉથ આફ્રિકા મારીજુઆના-ચરસગાંજાના ઉપયોગને કાનૂની બહાલી આપનારો સૌપ્રથમ આફ્રિકન દેશ બન્યો છે. આ કાયદાથી દેશના પ્રતિબંધિત નારકોટિક્સની યાદીમાંથી કેનાબિસને દૂર કરાયેલ છે. દેશના પુખ્ત નાગરિકો ગાંજાનો છોડ ઉગાડી શકે છે અને બાળકોની હાજરી સિવાય તેનો ઉપયોગ પણ કરી શકે છે. આ બિલમાં જણાવ્યા મુજબ અગાઉ, જે લોકોએ ગાંજાના ઉપયોગ થકી કાયદાનો ભંગ કર્યો હશે તેમના રેકોર્ડ્સ આપમેળે નાબૂદ કરી દેવાશે. જોકે, આ ક્યારે થશે અને 2022 સુધીમાં ગાંજાના ઉપયોગ સંબંધિત અપરાધોના કારણે જેલમાં રહેલા 3000 લોકોને મુક્ત કરાશે કે કેમ તે બાબતે હજુ સ્પષ્ટતા થઈ નથી.
માલ્ટા, કેનેડા અને ઉરુગ્વે સહિત કેટલાક દેશોમાં કેનાબિસને કાયદેસર બનાવાયેલ છે ત્યારે સાઉથ આફ્રિકામાં ગાંજાનો ઉપયોગ કરનાર તેને ઉગાડીને ઉપયોગ કરે તે સિવાય તેને મેળવવાનો કોઈ માર્ગ નથી. તબીબી હેતુસર અને ડોક્ટરના પ્રીસ્ક્રિપ્શન સિવાય તેને મેળવવું હજુ ગેરકાયદે છે.