ડર્બનઃ સાઉથ આફ્રિકાના ડર્બન અને તેના આસપાસના વિસ્તારોમા અચાનક આવેલા ભીષણ પૂરથી અનેક પરિવારો તારાજ થઈ ગયા હતા. આ પૂરને કારણે 443 લોકોનાં મોત થયા હતા જ્યારે, સંખ્યાબંધ લોકો લાપતા હોવાના પણ અહેવાલો છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઓછામાં ઓછાં 40,723 લોકો અસરગ્રસ્ત થયા હોવાનું પણ સરકારી આંકડા જણાવે છે. બીજી તરફ, વીકએન્ડમાં હજુ ભારે પૂરની આગાહી પણ કરાઈ છે. સરકારી મદદના ધીમા પ્રતિભાવથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે 11 એપ્રિલ,સોમવારે રાતથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે મગંળવારે ક્વાઝુલુ-નાતાલ પ્રોવિન્સમાં મોટી નદીઓમાં પૂર આવ્યા હતા અને નદી કિનારાના પ્રદેશોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. આ પૂરને પગલે 443 જિદંગીઓનો અંત આવ્યો હતો. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં મોટાપાયે ભુસ્ખલન થયું હતું જેના કારણે અનેક મકાનો નષ્ટ થઈ જવા ઉપરાંત, અનેક માર્ગો ધોવાઈ ગયા હતા, પુલ તણાઈ ગયા અને નદી કિનારે આવેલા વેરહાઉસીસમાંથી અનેક કન્ટેનરો તણાઈ જતાં લાખો ડોલરનું નુકસાન થયું હતું.
ક્વાઝુલુ-નાતાલ પ્રોવિન્સના પ્રીમિયર સિહલે ઝિકાલાલાએ જણાવ્યું હતું કે નુકસાન બિલિયન્સ રેન્ડમાં થવાનો ભય છે. આ વિસ્તારમાં ભયાનક પૂર ભાગ્યેજ થવાનો ઈતિહાસ છે. આ પ્રાંતને બુધવારે આફતગ્રસ્ત જાહેર કરાયો હતો. ડર્બન અને નજીકના ઈથેકવિની મેટ્રોપોલીટન એરિયામાં 52 મિલિયન અમેરિકી ડોલરના નુકસાનનો અંદાજ મૂકાયો છે. ઝિકાલાલાએ જણાવ્યું હતું કે આ કુદરતી આફતથી 248 સ્કૂલ્સને ભારે નુકસાન થયું છે.
સાઉથ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસાએ બુધવારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને આફતને ભયાનક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આવી આફતો ચોક્કસપણે ક્લાઈમેટ ચેન્જનો જ હિસ્સો છે. સાઉથ આફ્રિકન નેશનલ ડિફેન્સ ફોર્સ બચાવ અને રાહતકાર્યમાં મદદે લાગી ગયું હતું.