કેપ ટાઉનઃ ક્રિસમસ તહેવારના દિવસે ફ્રી સ્ટેટ પ્રોવિન્સના ઓરાન્જેમાં માસેલ્સપૂર્ટ રિસોર્ટ ખાતે પૂલ એરિયામાં કેટલાક શ્વેત પુરુષોના જૂથ દ્વારા બે અશ્વેત ટીનેજર પર કથિત હુમલાની ઘટનાએ ક્રિસમસની ઉજવણીના રંગને બેરંગ બનાવી દીધો હતો. આ ઘટનાનું ફિલ્મિંગ કરાયા પછી તેને સોશિયલ મીડિયા પર મૂકાતા તે વાઈરલ બન્યું હતું. શ્વેત પુરુષોએ સ્વિમિંગ પૂલ માત્ર શ્વેત લોકો માટે જ હોવાનો દાવો કરી અશ્વેત ટીનેજર્સને તેનો ઉપયોગ કરતા અટકાવ્યા હતા. આ હુમલા સંદર્ભે ત્રણ શ્વેત સાઉથ આફ્રિકન્સની ધરપકડ કરાઈ હતી અને તેમના પર હત્યાના પ્રયાસ સહિતના ગુનાના આરોપ લગાવાયા હતા.
આ વીડિયોમાં શ્વેત પુરુષોનું એક જૂથ 18 અને 13 વર્ષના બે અશ્વેત ટીનેજરને પૂલનો ઉપયોગ કરતા અટકાવતું જણાયું હતું. આ ઘટનાએ પાછળથી હિંસક વળાંક લીધો હતો. એક શ્વેત પુરુષે એક ટીનેજરને ગરદનથી પકડી પૂલમાં નાખ્યો હતો અને તેને પાણીમાં ડૂબાડ્યો હતો. અશ્વેત ટીનેજર્સ સ્વિમિંગ પૂલમાં પ્રવેશ્યા ત્યારે કેટલાક શ્વેત લોકો પૂલમાં તરી રહ્યા હતા તે બહાર નીકળી જતા પણ વીડિયોમાં દેખાયા હતા. હુમલાખોર ગોરા પુરુષોએ સ્વિમિંગ પૂલ માત્ર ગોરા લોકો માટે જ હોવાનો દાવો કર્યો હતો.
દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરીલ રામફોસા સહિત અનેક સાઉથ આફ્રિકન લોકોએ આ ઘટનાને વખોડી કાઢી હતી અને ઘટનાના જવાબદાર લોકોની અટકાયત કરવા માગણી કરી હતી. પ્રમુખ સિરીલ રામફોસાએ જણાવ્યું હતું કે,‘અશ્વેત અને શ્વેત સાઉથ આફ્રિકન્સ તરીકે આપણે રેસિઝમના કોઈ પણ પ્રકાર સામે લડવા તેમજ આવા ગુનાઓના ખુલાસા કે બચાવ કરવાને વખોડવામાં એકસંપ રહેવું જોઈએ. રેસિઝમની સામે લડવાની સમસ્યા માત્ર અશ્વેત સાઉથ આફ્રિકન્સની જ નથી.’ ઈકોનોમિક ફ્રીડમ ફાઈટર્સ પાર્ટીના સભ્યોએ રિસોર્ટની મુલાકાત લઈ મેનેજર પાસે ઘટના સંદર્ભે જવાબો માગ્યા હતા. મેનેજરે જણાવ્યું હતું હતું કે રિસોર્ટની નીતિ રંગભેદને માન્યતા આપતી નથી. સાઉથ આફ્રિકામાં રંગભેદી શાસનના અંત અને લોકશાહીની સ્થાપનાના 30 વર્ષ પછી પણ રેસિઝમ કાંટાળી સમસ્યા બની રહી છે.
સાઉથ આફ્રિકન પોલીસ પ્રવક્તા બ્રિગેડિયર મોટાન્ત્સી માખેલેએ કહ્યું હતું કે આ ઘટનામાં તપાસ શરૂ કરી દેવાઈ છે.
પોલીસે જણાવ્યું હતું કે જોહાન નેલ (33) અને જાન સ્ટિફનસ વાન ડેર વેસ્ટહુઈઝેન (47) સામે હુમલા અને ઈજા પહોંચાડવાના આરોપ લગાવાયા હતા અને તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટની વધુ કાર્યવાહી 2023ની 25 જાન્યુઆરી પર મુલતવી રખાઈ હતી. ત્રીજા હુમલાખોરને 5 જાન્યુઆરી ગુરુવારે કોર્ટમાં હાજર કરાશે.