પ્રીટોરીઆઃ સાઉથ આફ્રિકામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતાં આશરે 10 વર્ષીય બાળકોમાંથી 81 ટકાને વાંચવા અને વાંચેલું સમજવામાં ભારે મુશ્કેલી પડતી હોવાનું આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં બહાર આવ્યું છે. 2001થી દર પાંચ વર્ષે હાથ ધરાતા પ્રોગ્રેસ ઈન ઈન્ટરનેશનલ રીડિંગ લિટરસી સ્ટડી (Pirls)નો ઉલ્લેખ કરતાં એજ્યુકેશન મિનિસ્ટર એન્જિ મોટ્શેક્ગાએ અભ્યાસના પરિણામોને નિરાશાજનક ગણાવ્યાં હતાં. આ અભ્યાસમાં આફ્રિકા ખંડના મોરોક્કો, ઈજિપ્તે પણ ભાગ લીધો હતો.
પ્રાઈમરી સ્કૂલના ચોથા ધોરણમાં અભ્યાસ કરતાં 81 ટકા સાઉથ આફ્રિકન બાળકો ભારે મુશ્કેલીથી વાંચી શકે છે. પાંચ વર્ષ પહેલા આ સંખ્યા 78 ટકા હતી. કોરોનાવાઈરસ મહામારીના કારણે નિરક્ષરતાનું પ્રમાણ વધ્યું હોવાનું પણ મિનિસ્ટરે જણાવ્યું હતું. ઘણી પ્રાથમિક શાળાઓમાં વાંચવાની ગ્રહણશક્તિ અને લખેલા શબ્દોના અર્થના સ્થાને મૌખિક પરફોર્મન્સ પર વધુ ધ્યાન આપવામાં આવે છે.
આફ્રિકા ખંડમાં સૌથી વધુ ઔદ્યોગિક વિકાસ ધરાવતા દેશમાં ટેક્સ્ટ બૂક્સ અને લાઈબ્રેરીઓનો અભાવ છે તેમજ ઘણી શાળાઓમાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટોઈલેટ્સની સુવિધા પણ હોતી નથી. વિભાજનવાદી શાસન દ્વારા બહુમતી અશ્વેત વસ્તીના માથે મરાયેલા નબળાં શિક્ષણનું રંગભેદની નાબૂદીના 30 વર્ષ પછી પણ આ પરિણામ છે. ઘણા ગ્રાન્ડપેરન્ટ્સ અને પેરન્ટ્સ અંશતઃ અશિક્ષિત છે અને બાળકોને વાંચતાં શીખવામાં મદદ કરી શકતા નથી.