કેપટાઉનઃ સાઉથ આફ્રિકાના વિવિધ વિસ્તારોમાં પાચ દિવસના ગાળામાં ફ્યૂલ સહિતનો માલસામાન લઈ જતી ઓછામાં ઓછી 21 ટ્રક સળગાવી દેવાયાના પગલે ક્વાઝુલુ-નાતાલ, લિમ્પોપો, અને મ્પુમાલાન્ગા સહિત ચાર પ્રાંતમાં લશ્કર ગોઠવી દેવાયું છે. પોલીસે આ સંદર્ભે ત્રણ શકમંદની ધરપકડ કરી છે.
અનેક ઘટનામાં સશસ્ત્ર લોકોએ મુખ્ય માર્ગો પર ડ્રાઈવર્સને બળજબરીથી ઉતારી દીધા પછી ટ્રકોને આગ લગાવી દીધી હોવાના અહેવાલો છે. પોલીસ 12 વ્યક્તિની શોધ કરી રહી છે. ટ્રક્સને સળગાવી દેવાની ઘટના રવિવાર 9 જુલાઈથી શરૂ થયાનું કહેવાય છે, જેની પાછળનો હેતુ સ્થાપિત થતો નથી. પોલિસ મિનિસ્ટર ભેકી સેલેએ જણાવ્યા મુજબ ટ્રકોને સળગાવાની ઘટનાઓ સંભવતઃ સાઉથ આફ્રિકામાં આર્થિક ભાગફોડ કરવા માટે હોઈ શકે છે.