જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાની સામાન્ય ચૂંટણીએ શાસક પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC)ને જોરદાર આંચકો આપ્યો છે અને 30 વર્ષના શાસન પછી પાર્ટીએ બહુમતી ગુમાવી છે. હવે ANCએ સત્તા પર રહેવું હશે તો ગઠબંધન સરકાર રચવા સાથી પક્ષની તલાશ શરૂ કરવી પડશે અને તમામ રાજકીય પક્ષો સાથે વાતચીતની તૈયારી પણ દર્શાવી છે. બંધારણ હેઠળ પરિણામો જાહેર થયાના 14 દિવસમાં સ્પીકર અને પ્રેસિડેન્ટને ચૂંટી કાઢવા નેશનલ એસેમ્બલીની બેઠક મળવી જોઈએ.
પ્રમુખ રામફોસાનું ડામાડોળ ભાવિ
આફ્રિકન નેશનલ કોંગ્રેસે સત્તા ગુમાવી છે ત્યારે વર્તમાન પ્રમુખ સીરિલ રામફોસા સામે વિરોધનો વંટોળ જાગ્યો છે. રામફોસા પ્રમુખ હોય તેવી સ્થિતિમાં કોઈ પણ વિરોધ પક્ષે ગઠબંધન માટે રસ દર્શાવ્યો નથી. ANCના પૂર્વ નેતા અને પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમાની પાર્ટી MKએ ગઠબંધનની વાતચીત માટે શરતો રજૂ કરી છે જેમાં રામફોસાને પાર્ટીના નેતા અને અધ્યક્ષપદેથી હટાવવાની શરત મુખ્ય છે. જોકે, ANC પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે નવી સરકારની રચના માટે બધા પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે પરંતુ, રામફોસા તો રહેશે જ તેમને હટાવવાની વાત સ્વીકાર્ય નથી. બીજી તરફ, ANC માને છે કે ડેમોક્રેટિક એલાયન્સને કેબિનેટમાં વધુ સ્થાન તેમજ બજેટ્સ અને ચાવીરૂપ નીતિઓમાં સમાધાન થકી મનાવી શકાશે.
સાઉથ આફ્રિકાના 9 પ્રાંતોની પરિસ્થિતિ
સાઉથ આફ્રિકાના 9 માંથી પ્રાંતો પાંચ પ્રાંતમાં ANCએ બહુમતી મેળવી છે જેમાં, લિમ્પોપો (74 ટકા), ઈસ્ટર્ન કેપ (62 ટકા), નોર્થ વેસ્ટ (59 ટકા), ફ્રી સ્ટેટ (53 ટકા) અને એમપુમાલાન્ગા (52 ટકા) ટકાનો સમાવેશ થાય છે. નોર્ધર્ન કેપ (49 ટકા) અને ગાઉટેન્ગ (36 ટકા) પ્રાંતમાં બહુમતી ગુમાવી હોવાથી ગઠબંધન માટે સાથી પક્ષ શોધવા પડશે. ડેમોક્રેટિક એલાયન્સને વેસ્ટર્ન કેપ પ્રાંતમાં 53 ટકા મત મળવા સાથે તેણે 2009માં મેળવેલી સત્તા જાળવી રાખી છે. ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં પૂર્વ પ્રમુખ ઝૂમાની નવી પાર્ટી Mkને 46 ટકા જેટલા અને ANCને 18 ટકા જેટલા મત મળ્યા છે.
સાઉથ આફ્રિકામાં નેલ્સન મન્ડેલાની આગેવાનીમાં 1994માં રંગભેદના અંત પછી ANCનું શાસન શરૂ થયું હતું. પાર્ટીને 2019માં 230 બેઠક સાથે 57.5 ટકા મત મળ્યા હતા પરંતુ, ભ્રષ્ટાચાર, બેરોજગાર અને આર્થિક બેહાલીની સમસ્યાના કારણે પાર્ટીએ બહુમતી અને સત્તા ગુમાવી છે. 29 મેની સામાન્ય ચૂંટણી પહેલા 27.7 મિલિયન સાઉથ આફ્રિકન્સે મત આપવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે, 58.64 ટકા વોટર ટર્નઆઉટ સાથે માત્ર 16.2 મિલિયન મત નખાયા હતા જે સાઉથ આફ્રિકાના લોકશાહી ઈતિહાસમાં સૌથી ઓછું મતદાન છે. 1999માં 90 ટકાએ અને 2019માં 60 ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ANCને 159 બેઠક મળી
દેશના ઈલેક્શન કમિશનના જણાવ્યા અનુસાર નેશનલ એસેમ્બલીની 400 બેઠકમાંથી ANCને 159 (40.18ટકા) બેઠક મળી છે જ્યારે બીજા ક્રમે જમણેરી ડેમોક્રેટિક એલાયન્સ (DA)ને 87 (21.8 ટકા), ત્રીજા ક્રમે પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમાના વડપણ હેઠળની નવી પાર્ટી એમખોન્ટો વી સિઝવે (MK)ને 58 (14.59 ટકા) બેઠક અને ચોથા ક્રમે ડાબેરી ઈકોનોમિક ફ્રીડમ ફાઈટર્સ (EFF)ને 39 (9.52 ટકા) બેઠક મળેલ છે.