કેપ ટાઉનઃ હિંસક અપરાધો માટે કુખ્યાત ગણાયેલા દક્ષિણ આફ્રિકામાં ખંડણી માટેના અપહરણોનું પ્રમાણ 2016થી ઘણું વધી રહ્યું છે. તાજેરમાં કેપ ટાઉન નજીક ધનવાન બિઝનેસમેનની શાળાએ જઈ રહેલી આઠ વર્ષીય પુત્રી અબિરાહ ડેખ્તાનું પાંચ ગનમેન દ્વારા અપહરણ અને હત્યાના પગલે તહેવારોની મોસમમાં નાણા પડાવવાં બાળકોના અપહરણો સામે ચેતવણી આપતા પોલીસે બીચ અને શોપિંગ મોલ્સમાં સતર્કતા રાખવા પેરન્ટ્સને જણાવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ બાળકોનું ખોવાઈ જવું અને અપહરણોના અપરાધો વાસ્તવિકતા છે.
બિનનફાકારી સંસ્થા ગ્લોબલ ઈનિશિયેટિવ અગેઈન્સ્ટ ટ્રાન્સનેશનલ ક્રાઈમ (GI-TOC) અનુસાર ખંડણી માટેના અપહરણોનો 2016થી વિસ્ફોટ થયો છે. પોલીસે 2022ના જુલાઈ અને સપ્ટેમ્બરની વચ્ચે 4000થી વધુ કેસ નોંધ્યા છે જે ગત વર્ષના આ જ સમયગાળા કરતાં બે ગણાં છે. એન્ટિ-ક્રાઈટ એક્ટિવિસ્ટ યુસુફ અબ્રામજીના જણાવ્યા મુજબ સાઉથ આફ્રિકાના ઈતિહાસમાં અપહરણોની સંખ્યા સૌથી વધુ છે. દેશમાં કારની ચોરી, લૂંટ અને બળાત્કારોની ઘટનામાં અપહરણો થતાં રહ્યાં છે પરંતુ, હવે વ્યક્તિગત અપહરણોની સંખ્યા વધી છે. એક હાઈ પ્રોફાઈલ કેસમાં સાઉથ આફ્રિકન બિઝનેસમેનના શાળાએ જઈ રહેલા 6થી 15 વયની વચ્ચેના ચાર પુત્રનું હોલીવુડ-મૂવીની સ્ટાઈલમાં અપહરણ કરાયું હતું.
આવાં અપહરણ કેસીસમાં લાખો રેન્ડ (હજારો ડોલર્સ)ની રકમો માગવામાં આવે છે. ઘણી વખત કિડનેપર્સ બાનની રકમ બિટકોઈન મારફત વિદેશી બેન્ક એકાઉન્ટ અથવા દુબઈના મની એક્સચેન્જ મારફત ચૂકવવાની માગણી કરે છે. કેટલાક કેસમાં બેન્ક એકાઉન્ટ ખાલી કરી દેવાયા પછી વિક્ટિમની હત્યા કરી દેવાય છે. આવો જ કિસ્સો હોર્સ રેસિંગનો શોખ ધરાવતા આધેડ બિઝનેસમેન કેવિન સોલનો હતો. જેમને અપહરણના થોડા દિવસ પછી પ્રીટોરિયાની બહાર ટાઉનશિપમાં મૃત હાલતમાં છોડી દેવાયા હતા. તેમના બેન્કખાતામાંથી મોટી રકમ ઉપાડી લેવાઈ હતી. આજે પણ આ કેસની તપાસ ચાલી રહી છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મોઝામ્બિક, પાકિસ્તાન તેમજ અન્ય દેશોમાં કાર્યરત શકમંદ વિદેશી ક્રાઈમ ગ્રૂપ્સ સાથે સંકળાઈને કામ કરતા સ્થાનિક લોકો દ્વારા અપહરણોની સંખ્યા વધી રહી છે. અબ્રામજીના જણાવ્યા મુજબ અપહરણના શિકારમાં ભારતીય વેપારીઓ, પાકિસ્તાની, સોમાલી અને ઈથિયોપીઅન્સની સંખ્યા વધુ રહી છે. તાજેતરમાં જ જોહાનિસબર્ગની હોટેલની લોબીમાંથી સોમાલી બિઝનેસમેનનું અપહરણ કરી લેવાયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ વિદેશમાં ભારે નાણાભંડોળ હોવાની અફવાઓ ધરાવતા ભારતીય મૂળના મુસ્લિમ પરિવારો પર અપહરણોનું મોટું જોખમ રહ્યું છે.