કેપ ટાઉનઃ દક્ષિણ આફ્રિકાની 29 મેની સામાન્ય ચૂંટણીમાં બહુમતી નહિ મેળવી શકેલી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) અને તેના પરંપરાગત હરીફો ડેમોક્રેટિક એલાયન્સ (DA) અને ઈન્કાથા ફ્રીડમ પાર્ટી (IFP) વચ્ચે છેલ્લી ઘડીએ સોદાબાજીના પરિણામે દેશની સૌપ્રથમ ગઠબંધન સરકાર અસ્તિત્વમાં આવી છે અને પ્રેસિડેન્ટ સીરિલ રામફોસા 14 જૂન શુક્રવારે બીજી ટર્મ માટે પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા છે. દેશના ચીફ જસ્ટિસ બુધવાર 19 જૂને રામફોસાને પ્રમુખપદના શપથ લેવડાવશે. દરમિયાન, પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમાની પાર્ટી એમખોન્ટો વી સિઝવે (MK)એ પાર્લામેન્ટમાં વિપક્ષ સાથે રહેવાની જાહેરાત કરી છે.
નેશનલ એસેમ્બલીની 400 બેઠકમાંથી ANCને 159 (40.18ટકા) બેઠક, ડેમોક્રેટિક એલાયન્સ (DA)ને 87 (21.8 ટકા) બેઠક મળી છે. ઈન્કાથા ફ્રીડમ પાર્ટી (IFP) પાર્ટી સરકારમાં સામેલ થશે નહિ પરંતુ, બહારથી ટેકો આપશે. સરકાર રચવા માટે 201 બેઠક જરૂરી હતી. પ્રમુખપદની ચૂંટણીમાં સીરિલ રામફોસાને 283 મત મળ્યા હતા જ્યારે મુખ્ય વિપક્ષ ઈકોનોમિક ફ્રીડમ ફાઈટર્સના નેતા જુલિયસ માલેમાને 44 મત મળ્યા હતા. MK અને EFF પક્ષોએ રામફોસાનો વિરોધ કર્યો હતો. નેશનલ એસેમ્બલીમાં પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમાના વડપણ હેઠળની નવી પાર્ટી એમખોન્ટો વી સિઝવે (MK)ને 58 (14.59 ટકા) બેઠક અને ડાબેરી ઈકોનોમિક ફ્રીડમ ફાઈટર્સ (EFF)ને 39 (9.52 ટકા) બેઠક મળેલ છે.
ગઠબંધનમાં સામેલ પક્ષોએ નેશનલ યુનિટી સરકાર ચલાવવા આઠ પાનાનું ફ્રેમવર્ક તૈયાર કર્યું છે જેની મુખ્ય જોગવાઈ એ છે કે પૂરતી સર્વસંમતિના આધારે જ નિર્ણય લઈ શકાશે. આનો અર્થ એ છે કે ડેમોક્રેટિક એલાયન્સ અને ઈન્કાથા ફ્રીડમ પાર્ટીને વિશ્વાસમાં લીધા સિવાય પ્રમુખ રામફોસા અને ANC કોઈ નિર્ણય લઈ શકશે નહિ. બીજી તરફ, માર્ક્સવાદી પાર્ટી ઈકોનોમિક ફ્રીડમ ફાઈટર્સ અને યુનાઈટેડ ડેમોક્રેટિક મૂવમેન્ટના બનેલા એલાયન્સ પ્રોગ્રેસિવ કૌકસમાં જોડાવા MK પાર્ટીએ જાહેરાત કરી છે.