જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકામાં 1994માં રંગભેદના અંત આવ્યાના 30 વર્ષ પછી શાસક આફ્રિકન નેશનલ કોંગ્રેસે (ANC) બહુમતી ગુમાવી છે અને સરકાર રચવા માટે ગઠબંધન થઈ શક્યું નથી તેવી સ્થિતિમાં દેશની નવી ત્રિશંકુ પાર્લામેન્ટ પ્રેસિડેન્ટ અને સ્પીકરની ચૂંટવા શુક્રવાર 14 જૂને મળશે. ભ્રષ્ટાચારના આરોપોના પગલે જેકોબ ઝૂમાએ સત્તા છોડવી પડી ત્યારે 2018માં સીરિલ રામફોસા દેશના પ્રેસિડેન્ટ બન્યા હતા.
દેશની જનતાએ સહિત કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી નથી અને ત્રિશંકુ પાર્લામેન્ટ બની છે ત્યારે ચીફ જસ્ટિસ રેમન્ડ ઝોન્ડોએ આદેશ બહાર પાડતા જણાવ્યું છે કે નેશનલ એસેમ્બલી શુક્રવાર 14 જૂને મળશે. પાર્લામેન્ટની બેઠકમાં સ્પીકરની ચૂંટણી કરાશે અને તે પછી પ્રેસિડેન્ટને ચૂંટવાની કાર્યવાહી શરૂ ધરાશે.
સાઉથ આફ્રિકામાં રાજકીય પક્ષોએ ગઠબંધનમાં જોડાવાની તૈયારી દર્શાવી છે અને શાસક ANCએ રાષ્ટ્રીય એકતા સરકાર રચવાની હાકલ પણ કરી છે છતાં, કોઈ શાસન વ્યવસ્થા ગોઠવી શકાઈ નથી અને દેશ રાજકીય મડાગાંઠમાં ફસાઈ ગયો છે.