કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાની સરકારી માલિકીની વીજકંપની એસ્કોમને ભ્રષ્ટાચારના કારણે માસિક સરેરાશ 55 મિલિયન ડોલર (એક બિલિયન રેન્ડ)નું નુકસાન જાય છે. દેવાંગ્રસ્ત એસ્કોમ દેશની વીજ કટોકટીને પહોંચી વળવા પૂરતું ઉત્પાદન કરી શકતી નથી. પાર્લામેન્ટરી કમિટી ઓન પબ્લિક એકાઉન્ટ્સ સમક્ષ જુબાની આપતા કંપનીના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ આન્દ્રે દ રૂયટેરે દર મહિને એસ્કોમમાંથી આશરે 55 મિલિયન ડોલરની ચોરી થતી હોવાના મુદ્દે દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા.
મહિનાઓથી સાઉથ આફ્રિકાના 60 મિલિયન લોકોને દિવસમાં 12 કલાક જેટલું વીજળી વિના રહેવું પડે છે. દેશના અગ્રણી ઔદ્યોગિક એકમો એસ્કોમના જરીપુરાણા અને ખરાબ નિભાવ સાથેના પાવર સ્ટેશનોમાંથી વીજળી મેળવી શકતા નથી. વીજ કટોકટીના લીધે દેશના અર્થતંત્રને ગુમાવેલા વીજ ઉત્પાદનથી દૈનિક 50 મિલિયન ડોલરનું નુકસાન થાય છે. એસ્કોમનું વર્તમાન દેવું 422 બિલિયન રેન્ડ (આશરે 23 બિલિયન ડોલર) છે. સાઉથ આફ્રિકા હજુ પણ તેની 98 ટકા વીજળી કોલસામાંથી મેળવે છે.