કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકામાં વર્ષોથી વીજળીની અછત સર્જાવાના પરિણામે પ્રેસિડેન્ટ સિરીલ રામફોસાએ ‘રાષ્ટ્રીય આફતની સ્થિતિ’ કાયદાને લાગુ કર્યો છે. વીજ કટોકટીને પહોંચી વળવા સરકારને આ કાયદાના અમલથી વધુ સત્તા હાંસલ થશે. અગાઉ, કોવિડ-19 મહામારી સમયે આ કાયદો અમલી બનાવાયો હતો. પ્રેસિડેન્ટે કહ્યું છે કે વીજળીની કટોકટી અર્થતંત્ર અને સામાજિક પોતને ધમકીરૂપ છે.
નવા કોલસા આધારિત પાવર સ્ટેશનના નિર્માણમાં વિલંબ, કોલસાના પૂરવઠામાં ભ્રષ્ટાચાર, ભાંગફોડ અને રીન્યુએબલ એનર્જી પૂરી પાડવામાં ખાનગી પ્રોવાઈડર્સ માટે નિયમો હળવા કરવામાં નિષ્ફળતા સહિતના કારણોથી વર્ષોથી વીજળીની અછત સર્જાઈ છે. સરકારી ઈલેક્ટ્રિસિટી યુટિલિટી Eskom દ્વારા વિક્રમી અંધારપટ લાગુ કરાયા છે જેનાથી ઘરોમાં અંધારું છવાયું છે, ઉત્પાદન ખોરવાયું છે અને તમામ પ્રકારના બિઝનેસીસને નુકસાન થાય છે. વીજકાપના કારણે આફ્રિકાના સૌથી મોટા ઔદ્યોગિક રાષ્ટ્ર દક્ષિણ આફ્રિકાની આર્થિક વૃદ્ધિ આ વર્ષે માત્ર 0.3 ટકા રહેવાની આગાહી છે.