જુબાઃ સાઉથ સુદાનના પ્રમુખ સાલ્વા કિરે પેશાબ કરતા વસ્ત્રો બગાડ્યા હોવાનું ફૂટેજ બહાર આવતા નેશનલ સિક્યુરિટી સર્વિસ (NSS) દ્વારા સાઉથ સુદાન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના છ જર્નાલિસ્ટની અટકાયત કરાઈ હતી. ધ યુનિયન ઓફ જર્નાલિસ્ટ્સ સાઉથ સુદાન દ્વારા પણ આ સમાચારને સમર્થન અપાયું છે.
સાઉથ સુદાનના પ્રમુખ સાલ્વા કિર એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે ઉભા હતા તે પછી તેમના વસ્ત્રો પર ભીના ડાઘ પડ્યા હોવાનું લાગતા તે તરફ જોઈ રહ્યા હતા તેમ કેમેરાએ ઝડપેલા ફૂટેજમાં દેખાયું હતું. આ પછી તરત કેમેરા ફરી ગયો હતો.
જર્નાલિસ્ટ્સ યુનિયને NSSની કસ્ટડીમાં રખાયેલા છ જર્નાલિસ્ટની તપાસનો વેળાસર અંત લાવવા માગણી કરી છે. યુનિયને નિવેદનમાં મજણાવ્યું છે કે આ છ કર્મચારી સામે ચોક્કસ ફૂટેજ જાહેર કરવાની શંકા છે. સુદાન 2011માં સ્વતંત્ર થયા પછી સાલ્વા કિર એકમાત્ર પ્રમુખ રહ્યા છે. પાંચ વર્ષના આંતરવિગ્રહના અંતે 2018માં સધાયેલી શાંતિ સમજૂતીનો અમલ ઘણો ધીમો રહ્યો છે ત્યારે પ્રમુખપદની ચૂંટણી તાજેતરમાં 2024ના ઉત્તરાર્ધ સુધી મુલતવી રખાઈ છે.