જૂબાઃ શાસક પક્ષના જનરલ સેક્રેટરી જેમા નુનુ કુંબા દુનિયાના સૌથી યુવા દેશ સાઉથ સુદાનની સંસદનું પ્રમુખપદ સંભાળનારા પ્રથમ મહિલા પ્રમુખ બનશે. આ દેશે દસ વર્ષ અગાઉ આઝાદી મેળવી હતી. કુંબાની મુખ્ય જવાબદારી શાંતિ કરારનું અમલીકરણ કરાવવાની રહેશે. પાટનગર જુબામાં શાસક પક્ષની જનરલ એસેમ્બલીમાં સુદાન પીપલ્સ લિબરેશન મૂવમેન્ટ (SPLM) ના ચેરમેન અને પ્રેસિડેન્ટ સાલવા કિરે જાહેરાત કરી હતી કે નવી રચાયેલી સંસદનું નેતૃત્વ સંભાળવા માટે કુંબાની નિમણૂક કરાઇ છે. તેઓ સંસદના આગામી અધ્યક્ષ હશે.
પોતાની નિમણૂક બાદ કુંબાએ જણાવ્યું હતું કે આ કામગીરી સરળ નહીં રહે. તેમણે નવા પ્રેસિડેન્ટ અને SPLMના સભ્યોને શાંતિ સમજૂતીના અમલ પર વિશેષ ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. આ સમજૂતીના ઘણા પાસાઓનું અમલીકરણ હજુ બાકી છે.
૨૦૧૮માં કિર અને મેચર વચ્ચે થયેલી શાંતિ સમજૂતી હેઠળ સંસદ બરખાસ્ત કરવામાં આવી હતી અને ગયા મે મહિનામાં ૪૦૦થી ૫૫૦ સાંસદો સાથે ફરી તેની રચના કરવામાં આવી હતી.
કુંબાનો જન્મ ૧૯૬૬માં થયો હતો. '૯૦ના દાયકાની શરૂઆતમાં તેઓ ખાર્તૂમ સામેના વર્ગવિગ્રહમાં SPLMના બળવાખોરો સાથે જોડાયા હતા. તે પછી તેઓ SPLMના સક્રિય સભ્ય બની ગયા હતા. તેમણે SPLM તથા તે સમયની ઉમર અલ બશીરના નેતૃત્વ હેઠળની સુદાનની સરકાર વચ્ચે શાંતિમંત્રણામાં ભાગ લીધો હતો. ૨૦૧૧માં આઝાદી પછી વેસ્ટર્ન ઈકવાટોરીયા રાજ્યના ગવર્નર સહિત તેમણે ઘણા સત્તાવાર હોદ્દા સંભાળ્યા હતા.