ફ્રીટાઉનઃ વેસ્ટ આફ્રિકન દેશ સિએરા લિઓનમાં છોકરીઓનાં રક્ષણ માટે બાળલગ્નો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 18 વર્ષથી ઓછી વયની છોકરી સાથે લગ્ન અપરાધ ગણાશે અને અપરાધીને 15 વર્ષ સુધી જેલની સજા અથવા 4000 ડોલરનો દંડ અથવા બંનેનો સામનો કરવો પડશે. આવાં લગ્નમાં સાક્ષી બનનારાને પણ જેલ અથવા દંડ કરાશે. પ્રેસિડેન્ટ જુલિયસ માડા બાયોએ જૂન મહિનામાં પસાર કરાયેલા બિલ પર ગત મંગળવાર, 2 જુલાઈએ હસ્તાક્ષર કરી તેને કાયદો બનાવ્યો હતો.
આ કાયદામાં બાળલગ્નનો શિકાર બનેલી છોકરીઓ માટે શિક્ષણ અને સપોર્ટ સર્વિસીસ સુલભ બનાવતી જોગવાઈ પણ છે. સિએરા લિઓનમાં દર ત્રણમાંથી એક લગ્ન છોકરી પુખ્તાવસ્થાએ પહોંચ્યા વિના થાય છે. સિએરા લિઓન 800,000 બાળવધૂઓનો દેશ છે જેમાંથી અડધોઅડધના લગ્ન 15 વર્ષની વય પહેલા થતાં હોવાનું યુએન ચિલ્ડ્રન્સ એજન્સીએ જણાવ્યું છે.