ફ્રીટાઉનઃ વેસ્ટ આફ્રિકન દેશ સીએરા લીઓનમાં પુરુષની તરફેણ કરતા સમાજમાં લૈંગિક અસમતુલાની સમસ્યા હલ કરવા માટે ખાનગી અને જાહેર એકમોમાં સમાન તક મળી રહે તે માટે 19 જાન્યુઆરીએ મહિલાઓ માટે નોકરીઓમાં 30 ટકા અનામતની જોગવાઈનો કાયદો પસાર કરવામાં આવ્યો છે.
દેશના પ્રેસિડેન્ટ જુલિયસ માડા બિઓએ કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા જે મહિલાઓને ઓછામાં ઓછાં 14 સપ્તાહની મેટરનિટી લીવ, સમાન વેતન અને તાલીમની તકોની ખાતરી આપે છે. 30 ટકા અનામત ક્વોટા મેનેજમેન્ટ નોકરીમાં પણ લાગુ પડશે જેથી નવા કાયદાના અમલની છટકબારી રુપે એમ્પ્લોયર્સ મહિલાઓને માત્ર નીચા સ્તરની નોકરીઓમાં જ સ્થાન આપે નહિ. 146 બેઠકની પાર્લામેન્ટ અને સિવિલ સર્વિસમાં પણ આ કાયદો લાગુ પડશે. દેશમાં અત્યારે માત્ર 18 મહિલા સાંસદ છે તેમજ પ્રમુખ બિઓની 32 સભ્યની કેબિનેટમાં માત્ર ચાર મહિલાને સ્થાન અપાયું છે.
પ્રમુખ બિઓએ જણાવ્યું હતું કે આ કાયદાથી દેશમાં લૈંગિક અસમતુલાની સમસ્યા હલ કરવામાં સર્વગ્રાહી મદદ મળશે. આપણે ચૂંટણીઓ અને જાહેર જીવનમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા કે સજામુક્તિનો અંત લાવવો પડશે તથા આવી હિંસા માટે જવાબદાર અને દોષિત ઠરેલા તમામ પુરુષો અને એકમોને સજા આપવી પડશે. સીએરા લીઓનમાં મહિલાઓ યોજનાબદ્ધ ભેદભાવનો શિકાર બનતી આવી છે. હ્યુમન રાઈટ્સ વોચ સંસ્થાના જણાવ્યા મુજબ મહિલાઓ સગર્ભા બને ત્યારે તેમને નોકરીમાંથી કાઢી મૂકવાનું સામાન્ય ગણાય છે. ઘણી સ્ત્રીઓ અને છોકરીઓ જાતીય હિંસાના ઊંચા પ્રમાણનો અનુભવ કરે છે અને 1992-2002ના આંતરવિગ્રહમાં તો બળાત્કારનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરાયો હતો.