ખાર્ટુમઃ નોર્થ આફ્રિકાના સુદાનમાં આર્મી અને અર્ધલશ્કરી દળો (રેપિડ સપોર્ટ ફોર્સીસ-RSF) વચ્ચે સત્તાની સાઠમારીએ ભારે અથડામણ સાથે ગૃહયુદ્ધ જેવો માહોલ સર્જાયો છે. સુદાનની મિલિટરી ખાર્ટુમના લક્ષ્યાંકો પર બોમ્બ વરસાવી રહી હોવાના પણ અહેવાલો છે. સુદાનના ડોક્ટર્સ યુનિયનના જણાવ્યા મુજબ સતત ત્રણ દિવસથી ચાલતાં યુદ્ધમાં 270થી વધુ નાગરિકોના મોત અને 600થી વધુને ઈજાના અહેવાલ છે. ખાર્ટુમના 90 ટકા વિસ્તારો પર કબજો જમાવ્યો હોવાના RSF ના દાવાને આર્મીએ નકાર્યો હતો. પશ્ચિમમાં ડારફૂરથી પૂર્વમાં રેડ સીના તટે પોર્ટ સુદાન સુધીના વિસ્તારોમાં ભારે સંઘર્ષના અહેવાલો છે. શનિવારે હુમલામાં સાઉદી અરેબિયાની ફ્લાઈટમાં આગ લાગ્યા પછી સાઉદી સહિત ઈજિપ્તે સુદાન જતી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચાડ દેશે પણ સુદાન સાથે જોડાયેલી સરહદ બંધ કરી દીધી છે. સુદાનમાં વધતી હિંસાને ધ્યાનમાં રાખીને, યુએન, અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયન તેમજ રશિયાએ પણ તત્કાળ શાંતિ અને યુદ્ધવિરામની અપીલ કરી છે.
મંગળવાર 18 એપ્રિલે પણ લડાઈ ચાલુ હતી ત્યારે યુએસના ડિપ્લોમેટિક કોન્વોય તેમજ ઈયુના રાજદૂત પર RSF દ્વારા સોમવારે કથિત હુમલાના અહેવાલો આવ્યા હતા. યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્થોની બ્લિન્કને યુએસ એમ્બેસીના વાહનો પરના હુમલાને વખોડી કાઢી કોન્વોયના લોકો સલામત હોવાની માહિતી આપી હતી.
સુદાનમાં ભારતીયોને ઘરમાં જ રહેવા સલાહ
આર્મી અને શક્તિશાળી અર્ધલશ્કરી દળો વચ્ચે ભારે ગોળીબાર અને હિંસા ચાલી રહી છે ત્યારે ભારતીય દૂતાવાસે સુદાન અને ખાસ કરીને ખાર્ટુમમાં રહેતા ભારતીયોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. શનિવારે હિંસામાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. ભારતીય દૂતાવાસના જણાવ્યા મુજબ સુદાનમાં કામ કરતા ભારતીય નાગરિક આલ્બર્ટ ઓગસ્ટાઈનનું શનિવારની ગોળીબારીમાં મોત થયું હતું. વિદેશમંત્રી એસ જયશંકરે રવિવારે ભારતીય નાગરિકના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે ભારત સરકારે સુદાનમાં રહેતા અને સુદાન જનારા ભારતીયો માટે એડવાઈઝરી જારી કરી છે.ભારતીય મિશને ટ્વીટ સંદેશામાં જણાવ્યું હતું કે ગોળીબારો અને હિંસાના માહોલમાં ભારતીય નાગરિકોને તત્કાળ અસરથી સંપૂર્ણ સાવધાની રાખવા, ઘરમાં જ રહેવા અને બહાર નહિ નીકળવા સલાહ છે. શાંતિ રાખવા અને અપડેટ્સની રાહ જોતા રહેવા પણ જણાવાયું હતું.
ખાર્ટુમમાં અનાજ અને પાણીની તંગી
સુદાનની રાજધાની ખાર્ટુમમાં સોમવારે સવારે પણ ધૂમાડા જોવા મળ્યા હતા. ખાર્ટુમમાં સૌપ્રથમ વખત યુદ્ધનો માહોલ જોવાયો હતો અને રાજધાનીની શેરીઓમાં તોપો અને બખ્તરબંધ વાહનો ફરવા સિવાય શેરીઓ તદ્દન સૂની ભાસતી હતી. શનિવારે ખાર્ટુમ એરપોર્ટની આસપાસની ઈમારતોમાંથી ભારે ધૂમાડા નીકળતા દેખાતા હતા. ખાર્ટુમમાં લોકો અનાજ અને પાણીની તંગી અનુભવી રહ્યા છે. ડારફૂર ખાતે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ના ત્રણ કર્મચારી માર્યા ગયા પછી દેશમાં તેનું કામકાજ કામચલાઉ રીતે બંધ કરી દેવાયું હતું. લોકો બે દિવસ સુધી વીજળી વિના રહ્યા હતા, દુકાનો બંધ થઈ ગઈ હતી. રાજધાનીના ઘણા વિસ્તારોમાં લોકો અનાજ સહિતના પુરવઠાનો સંગ્રહ કરી શક્યા ન હોવાથી પરિસ્થિતિ ગંભીર બની છે. રવિવારે બંને દળોએ ત્રણ કલાકનો હંગામી યુદ્ધવિરામ જાહેર કર્યો હતો જેથી ઘવાયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જઈ શકાય.
આર્મી અને પેરામિલિટરી વચ્ચે સત્તાની સાઠમારી
આર્મી ચીફ જનરલ અબ્દેલ ફતાહ અલ-બુરહાન અને રેપિડ સપોર્ટ ફોર્સીસના વડા જનરલ મોહમ્મદ હમદાન ડાગલો વચ્ચે લશ્કરી શાસનમાંથી સિવિલિયન શાસનમાં ટ્રાન્ઝીશન તેમજ પેરામિલિટરી દળોને નેશનલ આર્મીમાં સામેલ કરવાના મુદ્દે ભારે મતભેદના પરિણામે આ સંઘર્ષ સર્જાયો છે. હાલ તો મોટા ભાગની સુદાનીઝ લોકો લોકશાહીના બદલે શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે. આર્મીએ તમામ પ્રકારના ભારે અને હળવા શસ્ત્રોથી આક્રમણ શરૂ કર્યાનો આક્ષેપ અર્ધલશ્કરી જૂથ રેપિડ સપોર્ટ ફોર્સીસે કર્યો છે જ્યારે આર્મીનું કહેવું છે કે પેરામિલિટરી દળોએ લશ્કરી થાણાં પર હુમલો કરીને લડાઈ શરૂ કરી હતી. RSF નો દાવો છે કે તેણે પ્રેસિડેન્ટના મહેલ, આર્મી વડાના નિવાસ, સ્ટેટ ટીવી, મિલિટરી હેડક્વાર્ટર અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કબજો જમાવી લીધો છે. જોકે, આર્મીએ આ દાવા ફગાવી દીધા હતા.
સુદાનમાં લાંબા સમયથી સરમુખત્યાર રહેલા પ્રમુખ ઓમર અલ-બશીરને 2019માં સત્તાસ્થાનેથી હટાવવા સાથે મળીને કામ કરનારા આર્મી અને અર્ધલશ્કરી દળો વચ્ચે સત્તામાં સર્વોપરીતા હાંસલ કરવાની લડાઈ ચાલી રહી છે. આર્મીએ નાગરિક શાસન સાથે સત્તાની વહેંચણી માટે તૈયારી દર્શાવી હતી પરંતુ, બંને જનરલ વચ્ચે સ્પર્ધાના લીધે નાગરિક જૂથો સાથે કરાર થઈ શક્યા નથી.