ખાર્ટુમઃ સુદાનમાં યુદ્ધગ્રસ્ત આર્મી અને પેરામિલિટરી રેપિડ સપોર્ટ ફોર્સીસ (RSF) વચ્ચે વ્યૂહાત્મિક સ્થળો કબજે લેવા ભારે લડાઈ ચાલી રહી છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સત્તાઓએ યુદ્ધ બંધ કરવા તેમજ લાખો નાગરિકોને માનવતાવાદી સહાય પૂરી પાાડવાની છૂટછાટ માટે હાકલો કરી છે. યુએસ પ્રમુખ જો બાઈડેને સુદાનની શાંતિ, સ્થિરતા અને સલામતીને જોખમમાં મૂકવામાં જવાબદારો પર નવા પ્રતિબંધો લાદવાની ધમકી પણ આપી છે. બાઈડેને સુદાનમાં તત્કાળ લોકશાહીવાદી નાગરિક સરકાર સ્થાપવા જણાવ્યું છે. રાજધાની ખાર્ટુમની મધ્યમાં રહેલા પ્રેસિડેન્સિયલ પેલેસ પર કબજો મેળવવાની લડાઈ વધુ તીવ્ર બની હતી. આ પેલેસ પર કબજો મેળવનાર દેશના શાસક બની જાય તેમ કહેવાય છે ત્યારે અહેવાલો અનુસાર RSF દ્વારા પેલેસના મોટા ભાગ પર કબજો જમાવાયો છે. 15 એપ્રિલથી શરૂ થયેલી લડાઈ અને હિંસામાં 550થી વધુ લોકોના મોત થયા હોવાનું હેલ્થ મિનિસ્ટ્રી કહે છે પરંતુ, વાસ્તવિક આંકડો ઘણો વધુ હોવાની આશંકા છે. યુએન એજન્સીઓના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછાં 334,000 લોકો સુદાનમાં જ વિસ્થાપિત છે જ્યારે અન્ય હજારો લોકો ઈજિપ્ત, ચાડ, સાઉથ સુદાન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અન ઈથિયોપિયા નાસી છૂટ્યા છે.