ખાર્ટુમઃ સુદાનના સુરક્ષા દળો દ્વારા એક ટીનેજર પર કરાયેલા સામૂહિક બળાત્કાર સામે લોકોનો આક્રોશ વધી રહ્યો છે. ખાર્ટુમમાં 14 માર્ચે સુરક્ષા દળોના ગણવેશમાં આવેલા 9 પુરુષોએ 18 વર્ષની તરુણી પર જાતીય હુમલો કર્યો હતો. સુદાનમાં લશ્કરી બળવા પછી લોકો દ્વારા કરાતા નિયમિત વિરોધને શમાવવા સુરક્ષા દળો કામે લાગ્યા છે. સરકારે રાજધાનીમાં દેખાવકારોને પ્રેસિડેન્શિયલ પેલેસ સુધી જતા અટકાવવા બ્રિજીસ બંધ કરી દીધા છે.
તરુણીએ જણાવ્યું હતું કે તે ઘર તરફ પ્રવાસ કરી રહી હતી ત્યારે પોલીસ અધિકારીઓએ એ દિવસના વિરોધ પ્રદર્શનમાં સંકળાયેલા લોકોને શોધવા મિનિ બસને અટકાવી હતી. પોલીસે બસમાં ટીઅર ગેસ છોડ્યો હતો. ટીનેજરે બસમાંથી ઉતરવા પ્રયાસ કર્યા પછી તેને માર મારી બળાત્કાર કરાયો હતો. સુદાનની સોશિયલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીમાં વાયોલેન્સ અગેઈન્સ્ટ વિમેન યુનિટના વડા સુલૈમા ઈશાકે કહ્યું હતું કે આ યુવા મહિલા પર હુમલો કરાયો તે વિસ્તારમાં તાજેતરના સપ્તાહોમાં સ્ત્રી અને પુરુષો પર સેકસ્યુઅલ હુમલાની અનેક ઘટનાઓ નોંધાઈ છે. સિક્યુરિટી ફોર્સીસ શેરીઓમાં લોકોની અવરજવરને અટકાવવા આ પ્રકારની રીતરસમ અપનાવી રહ્યા છે.
યુએન દ્વારા ડિસેમ્બરમાં જણાવાયું હતું કે લોકોના વિરોધ ધરણા વિખેરવાના પ્રયાસ દરમિયાન બળાત્કાર અને સામૂહિક બળાત્કારના 13 આક્ષેપો તેને મળ્યા છે. 25 ઓક્ટોબરના લશ્કરી બળવા પછીના દેખાવોમાં 80થી વધુ લોકો માર્યા ગયા છે અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.