ડકારઃ મધ્ય સેનેગલમાં રવિવારે બે બસ સામસામે ટકરાઈ જવાના ભીષણ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોનાં મોત થયા હતા તેમજ અન્ય 87 લોકો ઘાયલ થયા છે. માર્ગ અકસ્માત કેફરીન વિસ્તારના ગનીબી ગામમાં વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે થયો હતો. રાષ્ટ્રપતિએ ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે.
સેનેગલના પ્રેસિડેન્ટ મેકી સાલે એક નિવેદનમાં જણાવ્યું છે કે ગનીબીમાં થયેલા અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. જેમાં 40 લોકોનાં મોત થયા છે અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમણે પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરી ઈજાગ્રસ્તોના ત્વરિત સાજા થવાની પ્રાર્થના કરી હતી. પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે તેઓ સુરક્ષા ઉપાયો પર ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માત નેશનલ હાઈવે નં. 1 પર થયો હતો. સરકારી વકીલે જણાવ્યા મુજબ સાર્વજનિક બસનું ટાયર પંક્ચર થવાથી તે અન્ય બસ સાથે ટકરાઈ હતી. જેના કારણે બસ પલ્ટી ગઈ હતી. આ અકસ્માતમાં 87 ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે.