મોગાદિશુ એરપોર્ટ બહાર વિસ્ફોટમોગાદિશુઃ સોમાલિયાના પાટનગર મોગાદિશુમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર બુધવારે કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા અને નવ અન્ય ઘાયલ થયા હોવાનું એક સ્થાનિક ડૉક્ટરે જણાવ્યું હતું. અલ-શબાબ ઉગ્રવાદી જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને જણાવ્યું કે તે ત્યાંથી પસાર થતા શ્વેત અધિકારીઓને નિશાન બનાવી રહ્યું હતું.
મદિના હોસ્પિટલના ડૉ. અબ્દુલકાદિર આદમે મૃત્યુઆંક વિશે પત્રકારોને માહિતી આપી હતી. ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું હતું કે કડક સુરક્ષા બંદોબસ્તવાળા એરપોર્ટ તરફ દોરી જતા ચેકપોઇન્ટની નજીકના યુએનના કાફલાને નિશાન બનાવીને આ વિસ્ફોટ કરાયો હતો. પરંતુ યુએન મિશને જણાવ્યું હતું કે કાફલામાં યુએનના કોઈ કર્મચારી અથવા કોન્ટ્રાક્ટર ન હતા.
અલ-કાયદા સાથે સંકળાયેલા અને સોમાલિયાના વિસ્તારો પર અંકુશ ધરાવતા અલ-શબાબ ઉગ્રવાદી જૂથે તેના રેડિયો એન્ડાલુસ દ્વારા જણાવ્યું હતું કે તેમનું લક્ષ્ય શ્વેત અધિકારીઓનો કાફલો હતું. આ જૂથ અવારનવાર રાજધાનીમાં મહત્ત્વના સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરે છે.