લંડન
હોર્ન ઓફ આફ્રિકાના દેશોમાં દુકાળની સ્થિતિ ભયાનક બનતાં પોતાના પરિવારો માટે ભોજન અને પાણીની શોધમાં હજારો સોમાલી લોકો સરહદ પાર કરીને કેન્યામાં પ્રવેશી રહ્યાં છે. યુએન રેફ્યુજી એજન્સીના જણાવ્યા અનુસાર સોમાલિયામાં ગૃહયુદ્ધ અને દુકાળનો બેવડો માર વેઠી રહેલા 80,000થી વધુ લોકો અત્યાર સુધીમાં કેન્યામાં પ્રવેશી ચૂક્યાં છે.
સોમાલિયામાં હિંસાના કારણે વિસ્થાપિત થયેલા લોકો પર હવે દુકાળ ત્રાટક્યો છે. દેશમાં છેલ્લી 4 સીઝનથી વરસાદ વરસ્યો નથી. સતત પાંચમા વર્ષે સોમાલિયામાં ચોમાસુ નિષ્ફળ જાય તેવી આગાહી કરવામાં આવી છે. હિંસા અને દુકાળના કારણે સોમાલિયામાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો વિસ્થાપિત બની ચૂક્યાં છે. 80,000 સોમાલી લોકો સરહદ પાર કરીને કેન્યા પહોંચ્યા છે.
36 વર્ષીય ખાલિદા એહમદ ઓસ્માન તેના આઠ સંતાનો સાથે સોમાલિયાના બુઆલે શહેરને છોડીને કેન્યા પહોંચી છે. દુકાળની સ્થિતિ ગંભીર બનતાં આ શહેરના મોટાભાગના લોકો પલાયન કરી ગયાં છે. ખાલિદાને તેનો હોટેલ બિઝનેસ પડતો મૂકીને નાસી છૂટવાની ફરજ પડી છે. ખાલિદા કહે છે કે મને ભય હતો કે દુકાળ અને ભૂખમરાની સ્થિતિમાં મને ભય હતો કે આતંકવાદી સંગઠનો મારા સંતાનોની સહેલાઇથી ભરતી કરી શકશે.
કેન્યાના દદાબ શહેરમાં સોમાલિયાના વિસ્થાપિતો માટે વર્ષોથી નિરાશ્રીત છાવણી ઊભી કરાઇ છે. કેટલાક નિરાશ્રીતો તો અહીં છેલ્લા 30 વર્ષથી રહે છે. 1992માં અહીં નિરાશ્રીત છાવણી ઊભી કરાઇ હતી. હવે આ છાવણીમાં વધુ હજારો નિરાશ્રીતો આવી રહ્યાં છે. તેથી અહીં જીવનજરૂરી વસ્તુઓની મોટી જરૂરીયાત ઊભી થઇ છે. સંયુક્ત રાષ્ટ્ર મૂળભૂત જરૂરીયાતો પૂરી પાડવામાં કેન્યાના સત્તાવાળાઓની મદદ કરી રહ્યું છે.