હરારેઃ કોવિડ – ૧૯ મહામારીને લીધે લાંબો સમય બંધ રહ્યા પછી સ્કૂલો ફરી શરૂ થઈ તેના થોડાક જ દિવસોમાં ઝિમ્બાબ્વેના ટીચર્સ હડતાળ પર ઉતર્યા હતા. પાટનગર હરારેમાં ગયા ગુરુવારે કેટલીક સ્કૂલો ખૂલ્લી હતી પરંતુ. ટીચર્સ યુનિયનોના જમાવ્યા મુજબ બધા ટીચર્સ કામ કરતા ન હતા. સરકાર અને યુનિયનો વચ્ચે પગારની બાબતે વિવાદ ચાલી રહ્યો છે.
સરકારે તેમના પગારમાં ૨૦ ટકા વધારાની ઓફર આપી હતી. જોકે, તે ખૂબ ઓછી હોવાનું જણાવીને ટીચર્સે ફગાવી દીધી હતી. ૨૦૧૮માં ટીચર્સને માસિક $ ૫૪૦ ડોલર જેટલી રકમ પગારમાં મળતી હતી. પરંતુ, ફુગાવો વધવાતી તેમાં ઘટાડો થયો છે.
આ પરિસ્થિતિ અંગે પેરન્ટ્સે તેમનો રોષ વ્યક્ત કર્યો હતો. એડમન્ડ ચીઝે જણાવ્યું હતું કે સરકારે ટીચર્સને માન આપવું જોઈએ જેથી આપણા બાળકો પણ સ્કૂલે જઈને ભણી શકે. આપણે હમણાં જ લોકડાઉનમાંથી બહાર આવ્યા છીએ અને સ્કૂલો ખૂલ્લી છે પરંતુ, બાળકોને ભણાવવામાં આવતા નથી. આપણે આપણા બાળકોનું કેવા પ્રકારનું ભવિષ્ય ઘડીએ છીએ ?
બીજા પેરન્ટ ક્રિસ્ટોફર મુનામ્બાએ ઉમેર્યું કે ઓથોરિટીઝ તેમની મુશ્કેલીઓની અવગણના કરી રહી છે તે છતાં તેઓ કામ કરી રહ્યા છે. આખરે તો તેમને પણ યોગ્ય પગાર મળે તેવી અપેક્ષા હોય. કમનસીબે તેમને તે પગાર મળતો નથી. તેમને જે રકમ ચૂકવાય છે તે તો દૈનિક ધોરણે જ ખર્ચાઈ જાય છે. તેઓ પેરન્ટ્સ છે, તેમને પણ તેમના બાળકોની સંભાળ રાખવી પડે.