નાઈરોબીઃ કેન્યાના ૩૨ વર્ષીય શાંતિરક્ષક મેજર સ્ટેપલીન ન્યાબોગાને વર્ષ ૨૦૨૦નો યુનાઈટેડ નેશન્સ મિલીટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. તાજેતરમાં પૂરા થયેલા યુનાઈટેડ નેશન્સ આફ્રિકન મિશન ઈન દર્ફુર (UNAMID) માં સેવા આપનારા ન્યાબોગાને ઈન્ટરનેશનલ ડે ઓફ યુએન પીસકિપર્સ પર યુએન મહામંત્રી જનરલ એન્ટોનિયો ગુટરેસના આધ્યક્ષપદે યોજાનારા વર્ચ્યુઅલ સમારોહમાં આ એવોર્ડ એનાયત કરાશે.
મેજર ન્યાબોગાના કાર્યની પ્રશંસા કરતાં ગુટરેસે જણાવ્યું કે સમાજના તમામ સભ્યોને સમાન તકો, સુરક્ષા, સંસાધનો અને સેવાની ઉપલબ્ધિ હોય અને નિર્ણય લેવામાં ભાગીદારી હોય તો જ શાંતિ અને સલામતી હાંસલ કરી શકાય અને જાળવી શકાય.
મિશન દરમિયાન જેન્ડર ડાયમેન્શન્સ વિશે મહત્ત્વની જાગ્રતિ વધારવામાં અને દર્ફુરમાં વધુ મહિલાઓના સમાવેશને પ્રોત્સાહન આપનારા પરિપ્રેક્ષ્ય દાખલ કરવા બદલ યુએન વડાએ મેજર ન્યાબોગાની પ્રશંસા કરી હતી.
શાંતિ ઓપરેશનના સંદર્ભમાં મહિલાઓ, શાંતિ અને સુરક્ષા વિશેના યુએન સિક્યુરિટી કાઉન્સિલના ૧૩૨૫મા ઠરાવના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવામાં વ્યક્તિગત મિલીટરી પીસકિપરના પ્રયાસો અને સમર્પણની પ્રશંસારૂપે આ એવોર્ડ એનાયત કરાય છે.
એવોર્ડ મેળવતા મેજર ન્યાબોગાએ જણાવ્યું કે શાંતિની જાળવણી માનવ ઉદ્યમ છે. આપણા પ્રયાસો અને સાહસોમાં મહિલાઓ અને છોકરીઓને કેન્દ્રમાં રાખીએ તો નાગરિકોનું રક્ષણ કરવામાં અને સાતત્યપૂર્ણ શાંતિના ઘડતરમાં તે મદદરૂપ થશે.
૨૦૦૯માં સિગ્નલ રેડિયો ટ્રૂપ કમાન્ડર તરીકે લશ્કરી કારકિર્દી શરૂ કરનારા મેજર ન્યાબોગાએ નાગરિકોની સલામતી વધારવાના પ્રયાસમાં લોકલ કોમ્યુનિટીઝ સુધીની જેન્ડર – સેન્સિટીવ પહોંચને પ્રોત્સાહન આપ્યું હતું.