ડોડોમાઃ પુરુષો દ્વારા સ્તનપાનને લીધે તેમની પત્નીઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થતી હોવાથી સ્તનના દૂધની માગ કરતા પુરુષો સામે ટાન્ઝાનિયાની સરકારે કડક ચેતવણી જાહેર કરી હતી.
વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાન્ડેની ડિસ્ટ્રિક્ટ કમિશનર ટોબા ન્ગુવિલાએ મહિલાઓને આ માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે મહિલાઓના એક જૂથે તેમના પુરુષોને સ્તનપાન કરવાની આદત પડી હોવાની ફરિયાદ કરી હતી. તેનાથી તેમના બાળકોને સ્તનનું દુધ ન મળતાં પૌષ્ટિક તત્વોથી વંચિત રહેવાથી તેઓ કુપોષણનો ભોગ બનતા હતા.
આ પ્રથા પુરુષો સ્તનપાન કરે તો તેમની જાતીય શક્તિ વધે છે અને સ્નાયુઓ મજબૂત બને તેવી વાતને લીધે શરૂ થઈ હતી. પૂર્વ આફ્રિકામાં અને ખાસ કરીને કેન્યા, ટાન્ઝાનિયા અને યુગાન્ડામાં આ પરંપરા નવી નથી.
ગ્લોબલ ચેલેન્જીસ રિસર્ચ ફંડની સહાયથી કમ્પાલાની ક્યામ્બોગો યુનિવર્સિટી અને બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેન્ટ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જણાયું હતું કે બાળકને સ્તનપાન કરાવ્યા પહેલા દિવસમાં ઓછામાં ઓછું એક વખત પુરુષોને એક કલાક સુધી સ્તનપાન કરાવાય છે.
અભ્યાસમાં ભાગ લેનારા કેટલાંકે જણાવ્યું હતું કે સ્તનપાનથી તેમને સ્ટ્રેસમાંથી રાહત અને તાકાત મળતી હતી.
યુગાન્ડાના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર હેલ્થ સારા ઓપેન્ડીએ ૨૦૧૮માં જણાવ્યું હતું કે કેટલાંક પુરુષોએ આવી અસામાન્ય પ્રથા વિક્સાવી છે, જેને લીધે બાળકો અને માતાઓના સ્વાસ્થ્યને ખરાબ અસર થાય છે.