કમ્પાલાઃ પોતાના 10 વર્ષીય પાલ્ય બાળક પર અત્યાચાર અને માનવતસ્કરીના ગંભીર આરોપો ધરાવતા અમેરિકી દંપતી નિકોલસ સ્પેન્સર અને મિસ મેકેન્ઝી લેઈંગ મેથીઆસ સ્પેન્સરની જામીન અરજીની સુનાવણી હાઈ કોર્ટ જજ ઈસાક મુવાટા સમક્ષ ચાલી રહી છે. અમેરિકી દંપતીના વકીલોએ જણાવ્યું હતું કે વિદેશી નાગરિકોને જામીનની અરજી કરતા અટકાવી શકે તેવો કોઈ કાયદો યુગાન્ડામાં નથી. ટ્રાયલ જજ મુવાટાએ સુનાવણી 15 માર્ચ પર મુલતવી રાખી હતી જ્યારે સરકાર દ્વારા જામીનઅરજી પર પ્રતિભાવ રજૂ કરાવાની શક્યતા છે.
અમેરિકી સ્પેન્સર દંપતી ડિસેમ્બર 2022ના બીજા સપ્તાહથી લુઝિરા જેલમાં રખાયેલા છે. તેમણે પોતાને જામીન પર મુક્ત કરવા આરોગ્યની ગંભીર સમસ્યા સહિતના આઠ મુદ્દાઓ ધ્યાનમાં લેવા કોર્ટને વિનંતી કરી છે. સ્પેન્સર દંપતીના વકીલોએ યુગાન્ડાના ત્રણ નાગરિકોની જામીનગીરી રજૂ કરી છે જેમાં, જણાવાયું છે કે તેઓ આરોપીઓના મિત્ર છે, તેઓ નોકરી અને કાયમી રહેઠાણ ધરાવે છે તેમજ જામીનદાર તરીકેની જવાબદારી બરાબર સમજે છે. યુગાન્ડાની બંધારણીય કોર્ટના ચુકાદા ટાંકતા વકીલોએ રજૂઆત કરી હતી કે માત્ર સરકાર ઈચ્છતી હોય તે કારણથી જ જામીન આપોઆપ નકારી દેવા ન જોઈએ.