નાઈરોબીઃ કેન્યા અને ઈઝરાયલે જણાવ્યું હતું કે તેઓ અર્થતંત્ર, સુરક્ષા અને સસ્ટેનેબલ ડેવલપેમેન્ટ ગોલ્સ (SDGs) પરના તેમના ખાસ સંબંધોને આગળ ધપાવવા ઉત્સુક છે. બંને દેશોના પ્રતિનિધિ મંડળની બેઠક પછી તેઓ આ બાબતે સંમત થયા હતા.
કેન્યાના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને દેશો સુરક્ષાને લગતા મુદ્દા, ઈનોવેશન અને સાઈબર સિક્યુરિટી માટે સંયુક્ત પ્રયાસો વધારવા તેમજ કોવિડ – ૧૯ સામેની લડાઈમાં અને હેલ્થ ટ્રેનિંગમાં સતત સહયોગ ચાલુ રાખશે. કેન્યાના ફોરેન અફેર્સ પ્રિન્સિપલ સેક્રેટરી મચારીયા કામાઉ અને ઈઝરાયલના વિદેશ મંત્રાલયના ડિરેક્ટર – જનરલ એલન અશ્પીઝના નેતૃત્વ હેઠળ બન્ને પ્રતિનિધિ મંડળો બન્ને દેશો વચ્ચે ચૌથી રાજકીય મંત્રણામાં પડતર કરારોનો અમલ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સહયોગ વિશે ચર્ચા થઈ હતી. આગામી નવેમ્બરમાં સહકાર વિશે સંયુક્ત પંચ મળવાનું છે તેની તૈયારીરૂપે પણ આ બેઠક હતી.
૧૯ વર્ષ પછી ઈઝરાયલ ફરીથી આફ્રિકન યુનિયનમાં ઓબ્ઝર્વર સ્ટેટ તરીકે એક અઠવાડિયા પહેલાં જ જોડાયું હતું. તે વોટ નહીં આપી શકે પણ મહત્ત્વની બેઠકોમાં પ્રતિનિધિમંડળને મોકલી શકશે.