અબુજાઃ પશ્ચિમ આફ્રિકાના દેશ નાઈજિરિયામાં લોકપ્રિય ટ્રાન્સજેન્ડર મહિલા સેલેબ્રિટી ઓકુનેયે ઈદરીશ ઓલાનરેવાજુ ઉર્ફ બોબ્રિસ્કીને સ્થાનિક કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવી છે કારણ એટલું જ કે તેણે દેશની ચલણી નોટ્સ નાઈરા (1 ડોલર = 1,197 નાઈરા) હવામાં ઉછાળી હતી. નાઈજિરિયામાં લોકો નાણા હવામાં ઉછાળતા હોય તે સામાન્ય બાબત છે પરંતુ, કાયદા મુજબ તે ગેરકાનૂની છે.
બોબ્રિસ્કીને દંડની જોગવાઈ વિના જ જેલની સજા કરાઈ તેને કાયદાના પસંદગીયુક્ત અમલ ગણાવી ઘણા લોકોએ વખોડી કાઢી છે. નાઈજિરિયા એટલો રુઢિચૂસ્ત દેશ છે જ્યાં સમલૈંગિક તરીકે ઓળખ જાહેર કરવી તે પણ ગુનાઈત કાર્ય ગણાય છે. બોબ્રિસ્કીએ બચાવમાં તેને આ કાયદાની જાણ ન હોવાનું કોર્ટ સમક્ષ જણાવ્યું હતું અને તેને સજા સામે અપીલની છૂટ પણ અપાઈ હતી.