કમ્પાલાઃ યુગાન્ડાએ રવાન્ડા સાથેની લાંબા સમયની દ્વિપક્ષીય તંગદિલીનો અંત લાવવા માટે ૨૦૧૯માં બન્ને દેશોએ કરેલી સમજૂતીના અમલીકરણની ચકાસણી અને ચર્ચા કરવા અનૌપચારિક બેઠક માટે રવાન્ડાને આમંત્રણ આપ્યું હતું. યુગાન્ડાના વિદેશ બાબતોના પ્રધાન જનરલ જેજે ઓડોંગોએ પાઠવેલો આમંત્રણ પત્ર તેમના રવાન્ડાના સમકક્ષ વિન્સેન્ટ બીરુતાને ૩૦ ઓગસ્ટે મળ્યો હોવાનું બન્ને સરકારોના સ્રોતોએ સ્વીકાર્યું હતું.
જોકે, રવાન્ડાએ હાલ કોઈ બેઠકની યોજના હોવાનો ઈન્કાર કર્યો હતો. રવાન્ડા સરકારના પ્રવક્તા યોલાન્દે માકોલોએ જણાવ્યું કે હાલ કોઈ બેઠકની યોજના નથી. પરંતુ, રવાન્ડા જે મુદ્દા ઉભા થયા છે તેના પર વાતચીત માટે તૈયાર છે. જોકે, સમસ્યાઓ હજુ છે, કારણ કે યુગાન્ડા સતત રવાન્ડાના લોકોનું અપહરણ, ધરપકડ, અત્યાચાર અને દેશનિકાલ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે યુગાન્ડા રાજકીય અને રવાન્ડાવિરોધી સશસ્ત્ર ગ્રૂપને મદદ કરવાનું અને બન્ને દેશ વચ્ચે પડેલી મડાગાંઠ વિશે ખોટી માહિતી ફેલાવવાનું બંધ નહીં કરે ત્યાં સુધી પરિસ્થિતિ સુધરશે નહીં.
રવાન્ડાના પ્રમુખ કગામે અને યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેની ૨૦૧૯થી અત્યાર સુધીમાં ચાર વખત મળ્યા હતા.