કમ્પાલાઃ ચૂંટણી પંચ દ્વારા વર્ચ્યુઅલ ચૂંટણીપ્રચારના આયોજન વિશે ચિંતા પ્રવર્તતી હોવા છતાં ૨૦૨૧માં યોજાનારી યુગાન્ડાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં આશાસ્પદ ઉમેદવારોની સંખ્યા વધતી જાય છે. લગભગ ૪૩ રાજકારણીઓ આ પદ માટે પોતાનું નસીબ અજમાવવા પ્રયત્નશીલ છે. આ યાદીમાં છેલ્લે લશ્કરના ભૂતપૂર્વ કમાન્ડર મેજર જનરલ મુગીશા મુન્તુ જોડાયા છે.
તાજેતરમાં મેજર જનરલ મુગીશા મુન્તુએ ફોરમ ફોર ડેમોક્રેટિક ચેન્જ (FDC) પક્ષ છોડીને નવા પક્ષની રચના કરી હતી. તે પક્ષનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમને ટિકિટ મળી હતી. અન્ય દાવેદારોમાં પ્રમુખ યોવેરી મુસેવેની સરકારના પ્રખર આલોચક અને પત્રકારમાંથી ઉપદેશક બનેલા જોસેફ કાબુલેટા, જાસૂસી વિભાગના ભૂતપૂર્વ વડા લેફ્ટનન્ટ જનરલ હેનરી ટુમુકુન્ડે, રાજકીય વિવેચક ચાર્લ્સ રોમુશાના, સંગીતકારમાંથી રાજકારણી બનેલા રોબર્ટ સેન્ટામુ કિઆગુલેન્યી અકા બોબી વાઈન, મુખ્ય વિપક્ષ ફોરમ ફોર ડેમોક્રેટિક ચેન્જ(FDC)ના ભૂતપૂર્વ પ્રમુખ ડો. કિઝા બેસિગ્યે, ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ નોર્બેટ માઓનો સમાવેશ થાય છે. ડો. બેસિગ્યે અને બોબી વાઈને રાજકીય સુધારાને આગળ ધપાવવા દબાણ કરવા માટે તાજેતરમાં નવા સંયુક્ત મંચ ‘યુનાઈટેડ ફોર ચેન્જ’ની રચના કરી હતી.