નાઈરોબીઃ અક્ષયકુમારની બોલીવૂડ મૂવી `પેડમેન' ઘણાએ જોઇ હશે. કુદરતી ચક્ર, માતૃત્વનાં માધ્યમનો આ વિષય સંકોચ, શરમ ઓઢી બેઠો છે. રૂઢ માન્યતાઓના કારણે જગતની અનેક મહિલાઓ અસહજ છે. આફ્રિકાના અંતરિયાળ કેન્યામાં લાખો મહિલાઓ માટે ‘ટુગેધર ફોર બેટર’ સંગઠનના માધ્યમે મૂળ કચ્છના કેરા (તા. ભુજ)ના અરૂણાબહેન વરસાણી અને ટીમ કામ કરી રહી છે. મૂળ કેરા-કચ્છની આ યુવતીને વર્લ્ડ એસોસિયેશન ઓફ વૂમન વોરિયર્સ દ્વારા 2021નો વૂમન વોરિયર્સ એવોર્ડ એનાયત કરાયો હતો.
અરૂણાબહેને જણાવ્યું હતું કે,‘અમારી યાત્રા ટકાઉ અને હકારાત્મક પરિવર્તનની છે. સિંગલ મધર સંસ્કૃતિ ધરાવતા આફ્રિકન દેશોમાં મહિલાઓની સ્થિતિ વિચલિત કરનારી હતી. અમે 2016માં ‘ટુગેધર ફોર બેટર’ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ જગતની મહિલાઓના કુદરતી ચક્ર વિશે સહજતા લાવવાનો છે. આફ્રિકામાં પરંપરાગત રૂઢ માન્યતાઓના ઓછાયામાં મહિલાઓ રજસ્વલા - માસિક પીરિયડ વખતે એક પ્રકારનું ચામડું ઉપયોગમાં લેતી હતી. અત્યંત ગરીબ પરિવારોમાં વૈજ્ઞાનિક અભિગમનો અભાવ હોવાથી પરિવર્તન સ્વીકાર કરવામાં પડકાર હતો. અમે આરોગ્ય અને સ્વચ્છતાના વિષય પર 22,270 મહિલાઓ સુધી પહોંચી શક્યા હતા.’
અરૂણાબહેને ઉમેર્યું હતું કે,‘પીરિયડ્સને સહજ બનાવવા વિશે અલગ-અલગ વિચાર હતા. મહિલાઓની દુર્દશા સમજીને અમે પુન: ઉપયોગી થાય તેવા સસ્તા સેનેટરી પેડ બનાવવાનું નક્કી કર્યું. અમે પ્રથમ તબક્કે ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા 1,23,200 પેડસનું વિતરણ કર્યું હતું. માધ્યમોએ અમારા કાર્યને ફેલાવતાં કોંગો, યુગાન્ડા, તાન્ઝાનિયા જેવા પડોશી દેશોની મહિલાઓ જાગૃત થવા લાગી છે. ’
‘મરૂન પેડ આજે ક્રાંતિનું માધ્યમ બન્યું છે. વિવિધ 40 સ્થળે સ્થાનિક મહિલાઓ આવા પેડ સીવે છે. આ માટે સ્થાનીય ભાષામાં પોસ્ટર, પુસ્તકો પ્રસારિત કર્યા છે. 36440 પુસ્તિકાઓ છપાવી, 20 ટેબ્લેટ દ્વારા સોશિયલ પ્રસાર કર્યો. કોવિડના કપરા કાળમાં પણ કાર્ય ચાલુ રાખ્યું હતું. સરકારે અમારા કાર્યની નોંધ લીધી અને આરોગ્ય મંત્રાલય દ્વારા ડોનેશન ડ્રાઇવને પ્રોત્સાહન સાથે દરજીઓને તાલીમ આપી અને ‘મરૂન ક્રાંતિ’શરૂ થઇ.’
અરૂણાબહેનનાં કહેવાં મુજબ આજે પણ આફ્રિકાની 60થી 70 ટકા મહિલાઓ, પુખ્ત છોકરીઓ પાસે સેનેટરી પેડ નથી. પ્રમાણમાં સસ્તાં અને સમુદાયને પરવડે તેવા પેડ્સ આપવાના ફાઉન્ડેશનના પ્રયાસમાં અનેક ભારતીય મહિલાઓ, દાતાઓએ સહયોગ આપ્યો છે. આજે જાગૃત બનેલી આફ્રિકન મહિલાઓ જાતે આ અભિયાન આગળ ધપાવી ‘ટુગેધર ફોર બેટર’ નામને સાર્થક કરી રહી છે.