આફ્રિકાના બિઝનેસીસ એશિયા, યુરોપ અને યુએસ જેવા દૂરના માર્કેટ્સના બદલે ખંડની સરહદોમાં આવેલા દેશો સાથે જ વેપાર કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આનું કારણ આફ્રિકામાં બનેલા માલસામાનની સુધરેલી ગુણવત્તા, નીચી બજારકિંમતો અને સુલભતા છે. આફ્રિકન કોન્ટિનેન્ટલ ફ્રી ટ્રેડ એરિયા એગ્રીમેન્ટ પર 54 દેશોએ હસ્તાક્ષર કરેલા છે. એશિયા (24 ટકા), યુરોપ (16 ટકા) અને નોર્થ અમેરિકા (3 ટકા)ની સરખામણીએ 37 ટકા બિઝનેસીસ આફ્રિકન બજારના પાર્ટનર્સને જ પસંદ કરે છે. બીજી તરફ, નામિબિયા, ટોન્ઝાનિયા અને અંગોલાના બિઝનેસીસ આફ્રિકા બહારના દેશો સાથે વેપાર કરવાનું વધુ પસંદ કરે છે. આફ્રિકાની અંદર જ વેપાર કરવા માટે માલસામાનની ગુણવત્તા (72 ટકા), બજારકિંમતો (51 ટકા) અને બજાર સુલભતા (38 ટકા) સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે.
• કેન્યામાં પ્લાસ્ટિક ખાતાં જીવડાં મળી આવ્યાં
પ્લાસ્ટિકના પ્રદૂષણ સામેની લડતમાં પોલીસ્ટીરિન-સ્ટાયરોફોમને ખાઈ જતાં મીલવર્મ લાર્વાની રોમાંચક શોધ થઈ છે. પ્રદૂષણકારી પ્લાસ્ટિકનું વિઘટન કરી શકનારા જીવડાંની નવી પ્રજાતિ આફ્રિકામાં મળી આવી છે. સામાન્યપણે તોડવામાં વધુ મુશ્કેલ હોવાથી ટકાઉ ગણાતા પ્લાસ્ટિક સ્ટાયરોફોમનો ઉપયોગ ફૂડ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ડસ્ટ્રિયલ પેકેજિંગમાં વધુ થાય છે. કેમિકલ અને થર્મલ પ્રોસેસિંગ જેવી પરંપરાગત રિસાઈકલિંગ પ્રોસેસીસ ખર્ચાળ હોવાં સાથે વધુ પ્રમાણમાં પ્રદૂષકો પેદા કરે છે. એક પ્રકારના પતંગિયાના કેન્યન મીલવર્મના લાર્વા પોલીસ્ટીરિનને ચાવી શકે છે અને તેના આંતરડામાં રહેલા બેક્ટેરિયા આ સામગ્રીનાં વિઘટનમાં મદદ કરે છે.
• રવાન્ડામાં 400 મેડિક્સને મિનિમલ ઈન્વેઝિવ સર્જરીની ટ્રેનિંગ
રવાન્ડામાં ગત વર્ષમાં બુરુન્ડી, ઈજિપ્ત, ઘાના સહિત 25 દેશોના 400થી વધુ આફ્રિકન સર્જન્સને ઓછામાં ઓછી વાઢકાપની સર્જરીની ટ્રેનિંગ આપવામાં આવી હતી. રવાન્ડા સરકારે આ ટ્રેનિંગ સુલભ બનાવવાની ફેસિલિટીના નિર્માણ પાછળ 22 મિલિયન ડોલરથી વધુ ખર્ચ કર્યો છે. આ માટે રવાન્ડાએ IRCAD ફ્રાન્સ સાથે સમજૂતી કરી હતી. પરંપરાગત સર્જરીમાં રીકવરીનો સમય લાંબો રહે છે તેની સરખામણીએ મિનિમલ ઈન્વેઝિવ સર્જરીમાં ઓપરેશન પછી પીડામાં ઘટાડો, લોહી ઓછું વહેવું અને ઝડપી સાજા થવા સાથે હોસ્પિટલમાં રહેવાનો સમયગાળો ઘટે છે.
• યુગાન્ડામાં 170,000 કોફી ફાર્મર્સનું રજિસ્ટ્રેશન
યુરોપિયન યુનિયન દ્વારા કોફીના વેપાર સંદર્ભે નવાં નિયંત્રણો અમલમાં આવી રહ્યા છે ત્યારે તેના અમલ માટેના રાષ્ટ્રવ્યાપી પ્રયાસમાં યુગાન્ડા સરકારે બે સપ્તાહમાં જ 170,000 કોફી ફાર્મર્સનું રજિસ્ટ્રેશન કર્યું છે. સરકારનું લક્ષ્ય 30 ડિસેમ્બર સુધીમાં 1.8 મિલિયન કોફી ફાર્મર્સનું રજિસ્ટ્રેશન કરવાનું છે. યુગાન્ડાનું કોફી સેક્ટર ઈયુના કડક નિયંત્રણોને પહોંચી વળે તે માટે તેનો અમલ આવશ્યક છે. યુગાન્ડાની કોફી નિકાસમાં ઈયુ બજારનો ફાળો 60થી 65 ટકા જેટલો છે.
• દાર-એ-સલામમાં ઈમારત પડતાં 16ના મોત
ટાન્ઝાનિયાની રાજધાની દાર-એ-સલામના કારીઆકુ વિસ્તારમાં 16 નવેમ્બરે ચાર મજલાની ઈમારત તૂટી પડતાં 16ના મોત થયા હતા અને 84થી વધુ લોકોને ઈજા થયાના અહેવાલ છે. સરકારે સતત ત્રીજા દિવસે પણ પૂરજોશમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને આ વિસ્તારના તમામ બિલ્ડિંગ્સનું ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. પ્રાઈમ મિનિસ્ટર કાસિમ માજાલિવાએ ઘટનાસ્થળની મુલાકાત લઈ આખરી વ્યક્તિને બચાવી ન લેવાય ત્યાં સુધી બચાવ કામગીરી ચાલુ રખાશે તેમ સ્પષ્ટ કર્યું હતું.