વિશ્વમાં ફરી એકવાર રહસ્યમય બીમારી 'X'એ દેખા દીધી છે. આફ્રિકન દેશ કોંગોમાં આ બીમારીથી 25 દિવસમાં 79 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 300થી વધુ લોકો શિકાર બન્યા છે. આ રોગનાં લક્ષણો લગભગ લૂ જેવાં જ છે. ચેપગ્રસ્ત વ્યક્તિને તાવ, માથાનો દુખાવો, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા થાય છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આ રોગનો ભોગ બનેલા મોટા ભાગના 15થી 18 વર્ષની વયના લોકો છે.
• હેઈતીમાં કેન્યાના પોલીસ અધિકારીઓને વેતન અપાયું છે
હેઈતીમાં યુએન શાંતિરક્ષક દળોમાં ફરજ બજાવતા કેન્યન પોલીસ અધિકારીઓને ત્રણ મહિનાથી વેતન ન મળ્યું હોવાના મીડિયા અહેવાલોને કેન્યના ઉચ્ચ પોલીસ અધિકારીએ ફગાવી દીધા છે. પોલીસ ઈન્સ્પેક્ટર જનરલ ડગ્લાસ કાન્જાએ જણાવ્યું હતું કે હેઈતીમાં અધિકારીઓને ઓક્ટોબર અંત સુધીનું વેતન ચૂકવાયેલું છે. કેન્યાએ શાંતિ મિશન પાછળ2 બિલિયન કેન્યન શિલિંગ્સ (15 મિલિયન ડોલર)થી વધુ ખર્ચ કર્યો છે અને યુએન દ્વારા વળતરની રાહ જોવાય છે. હેઈતીમાં ગેંગ્સની હિંસાનો સામનો કરવા વિદેશી પોલીસ ગોઠવાઈ છે.
• સ્ત્રીહત્યાના વિરોધીઓ પર ટીઅરગેસ છોડાયો
કેન્યાની પોલીસે નાઈરોબીમાં સ્ત્રીહત્યાના વિરોધમાં સ્ત્રીઓ સહિત કૂચ કરી રહેલા સેંકડો દેખાવકારો પર ટીઅરગેસ છોડ્યો હતો અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ કેન્યાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સહિત ત્રણ દેખાવકારની ધરપકડ કરી હતી. નાઈરોબીમાં ‘સ્ત્રીઓની હત્યા અટકાવો’ સહિતના સૂત્રોચ્ચારો સાથેની વિરોધકૂચ શાંતિપૂર્ણ રહેવા છતાં પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો. મોમ્બાસા અને લોડવાર શહેરોમાં પણ વિરોધકૂચ યોજાઈ હતી. કેન્યામાં ઓગસ્ટથી ઓક્ટોબરના ગાળામાં ઓછામાં ઓછી 97 મહિલાની હત્યા થઈ હતી.
• પત્નીએ જ મૂળ ભારતીય વેપારીનું અપહરણ કરાવ્યું
દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના બિઝનેસમેન અશરફ કાદર ઉર્ફ ‘બાબુ કાયતકસ’ના અપહરણના કાવતરાંનો આરોપ તેની પત્ની ફાતિમા ઈસ્માઈલ પર લાગ્યો છે. ગત રવિવારે પ્રિટોરિયામાં અશરફ અને તેની 47 વર્ષીય પત્ની ફાતિમાનું અપહરણ થયું હતું. જોકે, દંપતીને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. પોલીસની સંયુક્ત ટીમોએ મામેલોડી વિસ્તારમાંથી શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી જ્યાં ફાતિમા ઇસ્માઇલ અન્ય ત્રણ આરોપીઓ સાથે પાર્ટી કરી રહી હતી. પોલીસે અપહરણમાં ઉપયોગમાં લેવાયેલ કાર, હથિયાર અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. પોલીસના પ્રમાણે આરોપી પર અપહરણ ખંડણી સહિતના ગંભીર આરોપ લાગ્યા છે. જોકે, ખંડણીની રકમ અંગે કોઈ ખુલાસો થયો નથી.