ઈથિયોપિયા અને યુકેએ વિવિધ ક્ષેત્રોમાં તેમના સંબંધો મજબૂત બનાવવાનો મક્કમ નિર્ધાર જાહેર કર્યો છે. યુકેના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એન્જેલા રેનારે ઈથિયોપિયન સિક્યોરિટીઝ એક્સચેન્જ ખાતે બેલ વગાડ્યો હતો અને ઈથિયોપિયાના ફાઈનાન્સિયલ સેક્ટરમાં રોમાંચક તકો હોવાનું જણાવી આર્થિક સુધારાઓને બિરદાવ્યાં હતાં. ઈથિયોપિયાના ફાઈનાન્સ મિનિસ્ટર અહેમદ શિડેએ આર્થિક સુધારાઓના પગલે જાહેર ક્ષેત્રના ઈથિયોપિયન એરલાઈન્સ, કોમર્શિયલ બેન્ક ઓફ ઈથિયોપિયા, ઈથિઓ ટેલિકોમ અને ઈથિયોપિયન શિપિંગ લાઈન્સ સહિતના એકમો વધુ નફાકારક બની રહ્યા હોવાનું કહ્યું હતું.
• રવાન્ડાના મિનિસ્ટર અને M23 સામે અમેરિકી પ્રતિબંધ
અમેરિકાએ ડીઆર કોંગો (DRC)માં યુદ્ધના કારણે રવાન્ડામાં તેના રોકાણોને નુકસાન થઈ રહ્યું હોવાના દાવા સાથે રવાન્ડાના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર રીજિયોનલ ઈન્ટિગ્રેશન જેમ્સ કાબારેબે અને બળવાખોર જૂથ માર્ચ 23 મૂવમેન્ટ (M23)ના પ્રવક્તા લોરેન્સ કાન્યુકા કિંગ્સ્ટન સામે પ્રતિબંધો જાહેર કર્યા છે. રવાન્ડાના ડિફેન્સ ફોર્સના પૂર્વ જનરલ કાબારેબેએ M23 જૂથ માટે સમર્થન ઉભુ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ જૂથ પૂર્વીય DRCમાં ઘણા શહેરોમાં કબજો જમાવી રહ્યું છે. કાન્યુકા યુકેમાં કિંગ્સ્ટન ફ્રેશ ફૂડ સર્વિસીસ કંપની તેમજ ફ્રાન્સમાં કન્સલ્ટન્સી કંપની કિંગ્સ્ટન હોલ્ડિંગનો માલિક છે. ડીઆર કોંગોના યુદ્ધમાં આ બે વ્યક્તિની ભૂમિકાથી વ્યાપક માનવાધિકાર ઉલ્લંઘનો અને પ્રાદેશિક સ્થિરતા સામે જોખમોના પગલે પ્રતિબંધો લગાવાયા હોવાનું યુએસ ટ્રેઝરી વિભાગે જણાવ્યું છે.
• યુગાન્ડામાં સ્થાનિક કંપનીઓને ટેક્સ વેઈવર્સ
યુગાન્ડાની પાર્લામેન્ટે નાણાવર્ષ 2024/2025 માટે પસંદગીની સ્થનિક કંપનીઓને 9.5 બિલિયન શિલિંગ્સની ટેક્સ માફીને મંજૂરી આપી છે. વિવિધ યુનિવર્સિટીઓ અને પ્રાઈવેટ બિઝનેસીસે ટેક્સ જવાબદારીઓમાં માફી માટે અરજી કરી હતી. આવી સંસ્થાઓની ખરાબ નાણાકીય હાલત તેમજ આર્થિક વિકાસમાં તેમના વ્યૂહાત્મક મહત્ત્વને ધ્યાનમાં રાખી ટેક્સ પ્રોસીજર કોડ એક્ટ 2014ના સેક્શન 40(1) અન્વયે પાર્લામેન્ટમાં ટેક્સ માફીનો ઠરાવ મૂકાયો હતો.
• ઈથિયોપિયામાં કોલેરા રોગચાળામાં 14ના મોત
ઈથિયોપિયાના ગામ્બેલા રીજિયનમાં કોલેરા રોગચાળો ફાટી નીકળતા 14 લોકોના મોત નીપજ્યા હતા. કોલેરાના 200થી વધુ કેસ નોંધાયા હતા. સૌ પહેલા એક સપ્તાહ અગાઉ 11 ફેબ્રુઆરીએ ન્યુએર ઝોનના ચાર જિલ્લામાં કોલેરાએ દેખા દીધી હતી અને તે પછી વધુ વિસ્તારો આકોબો, લારે, માકવાઈ, વેન્ટાવો, જિકાવો અને ગામ્બેલા સિટીમાં રોગચાળો ફેલાયો હતો.