કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ જણાવ્યા મુજબ તેઓ અને યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની હોર્ન ઓફ આફ્રિકા વિસ્તારને અસ્થિર બનાવવાનું જોખમ ધરાવતા વિવાદમાં ઈથિયોપિયા અને સોમાલિયા વચ્ચે મધ્યસ્થી કરશે. ઈથિયોપિયાના હજારો સૈનિકો સોમાલિયામાં અલ-કાયદા સાથે સંકળાયેલા બળવાખોરો સામે લડી રહ્યા છે જેના કારણે અલગ પડેલા સોમાલિલેન્ડ વિસ્તારમાં પોર્ટના નિર્માણની યોજના ધરાવતી મોગાડિશુ સરકાર નારાજ થઈ છે. ઈથિયોપિયા 1991માં સ્વતંત્ર જાહેર કરાયેલા સોમાલિલેન્ડને પોર્ટના બદલામાં માન્યતા આપે તેવી શક્યતા છે. આના પરિણામે સોમાલિયાએ ઈથિયોપિયાના એક સમયના દુશ્મન ઈજિપ્તનો સાથ લીધો છે.
• ઝેરી શેવાળવાળું પાણી પીવાથી 300 હાથીના મોત
આફ્રિકી દેશ બોટ્સ્વાનામાં 2020માં 300થી વધુ હાથીના મોત નીપજ્યાં હતા. આ હાથીઓના મોત ક્લાઈમેટ ચેન્જના કારણે થયાનો દાવો કરાયો છે. તાજેતરમાં લંડનની કિંગ્સ કોલેજની આગેવાની હેઠળના એક અભ્યાસમાં દાવો કરાયો છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે તળાવમાં ભારે સંખ્યામાં ઝેરી શેવાળ પેદા થઈ હતી. શેવાળવાળું
પાણી પીધાના માત્ર 88 કલાકમાં હાથીઓના મોત થયાનું જણાવાયું હતું. અગાઉ, 2018માં સાઈનાઈડના લીધે 90 હાથીના મોત નીપજ્યાં હતા. શિકારીઓએ હાથીદાંત હાંસલ કરવા ઝેરનો ઉપયોગ કર્યો હતો.