યુગાન્ડામાં વર્ષ 2000 પછી નવમી વખત ઈબોલા વાઈરસનો રોગચાળો ફાટી નીકળ્યો છે અને 29 જાન્યુઆરીએ કમ્પાલાની મુલાગો નેશનલ રેફરલ હોસ્પિટલમાં પુરુષ નર્સના મોતના અહેવાલને સરકારે સમર્થન આપ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ રોગચાળાને આગળ વધતો અટકાવવા એક મિલિયન ડોલરની ફાળવણી કરી છે. હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ મૃત વ્યક્તિના સંપર્કમાં આવેલા 30 હેલ્થ વર્કર્સ સહિત 44 વ્યક્તિને શોધવાની કામગીરી હાથ ધરાઈ છે. જોકે, ઈબોલાનો ચેપ બહાર આવ્યો છે તે કમ્પાલા શહેરની વસ્તી ચાર મિલિયનથી વધુ છે અને તે સાઉથ સુદાન, કોન્ગો, રવાન્ડા અને અન્ય દેશો માટેના ટ્રાફિકનું કેન્દ્ર હોવાથી ચેપગ્રસ્તોને શોધવાનું મુશ્કેલ છે. ઈબોલાનો ચેપ શરીરના ચેપી પ્રવાહી અને ટિસ્યુઝથી ફેલાય છે અને તેના લક્ષણોમાં તાવ, માથાનો દુઃખાવો, લોહીની ઉલટી, સ્નાયુઓનો દુઃખાવો અને રક્તસ્રાવનો સમાવેશ થાય છે. યુગાન્ડામાં છેલ્લે 2022માં ઈબોલા રોગચાળો ફાટ્યો હતો જેમાં 143 ચેપગ્રસ્તોમાંથી 55ના મોત થયા હતા.
• કેન્યામાં મહિલાઓ હિંસાનો સામનો કરશે
કેન્યામાં મહિલાઓ સામે હત્યા સહિત હિંસામાં ભારે વધારો થઈ રહ્યો છે ત્યારે કેટલીક મહિલાઓએ પુરુષ આક્રમકતાનો સામનો કરવા તૈયારી કરી છે. સ્વાહિલીમાં ‘કિકુ જુકિન્ગે’ એટલે કે ‘ગ્રાન્ડમાં પ્રોટેક્ટ યોરસેલ્ફ’ તરીકે ઓળખાવતા ક્લાસમાં આ માટેનો કોર્સ ચલાવાઈ રહ્યો છે. ખરેખર તો આ ક્લાસની શરૂઆત 25 વર્ષ અગાઉ અમેરિકન દંપતી દ્વારા કરાઈ હતી. કેન્યા પોલીસે મજણાવ્યા મુજબ ગત વર્ષે ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનાઓ વચ્ચે 97 સ્ત્રીઓની ઈરાદાપૂર્વકની હત્યા કરાઈ હતી. આફ્રિકા ડેટા હબના આંકડા અનુસાર 2023માં 75 અને તેની અગાઉના વર્ષે 46 સ્ત્રીની હત્યા કરાઈ હતી. બિનનફાકારી સંસ્થા ‘શાઈનિંગ હોપ ફોર કોમ્યુનિટિઝ’ના જણાવ્યા અનુસાર સંસ્થાએ ઓક્ટોબર અને ડિસેમ્બરના ગાળા વચ્ચે કોરોગોચોમાં લૈંગિક હિંસામાંથી બચાવાયેલી 307 સ્ત્રીઓને સપોર્ટ આપ્યો છે.
• કેન્યામાં કેન્સરના વર્ષે નવા 45,000 કેસીસઃ 29,000ના મોત
કેન્યાના આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર દેશમાં કેન્સરના વર્ષે નવા 45,000 કેસીસ નોંધાય છે અને કેન્સરના કારણે 29,000ના મોત થાય છે. રિપોર્ટમાં પ્રીવેન્ટિવ હેલ્થકેર મોડેલની જરૂર પર ભાર મૂકાયો હતો. હેલ્થ કેબિનેટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે માત્ર સર્વાઈકલ કેન્સરના જ નવા 5,845 કેસ દર વર્ષે નોંધાય છે અને તેનાથી 3,591 મોત થાય છે. તેમણે સર્વાઈકલ કેન્સરના કેસીસ ઘટાડવા 10-14 વયજૂથની છોકરીઓને હ્યુમન પેપિલોમાવાઈરસ (HPV)ની રસી આપવા પર ભાર મૂક્યો હતો. કેન્યામાં 2019થી 3.3 મિલિયનથી વધુ છોકરીને HPV રસીનો પ્રથમ ડોઝ અને 2.3 મિલિયન છોકરીઓને સેકન્ડ ડોઝ અપાયાની માહિતી આપી હતી.
• રુટોએ રાજરમતના વિપક્ષી દાવા ફગાવ્યા
કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ ફરીથી ચૂંટાઈ આવવા માટે રાજરમતો ખેલતા હોવાના વિપક્ષી નેતાઓના દાવાઓ ફગાવ્યા હતા. રુટોએ કહ્યું હતું કે કેન્યાવાસીઓને સેવા આપવા અને દેશના વિકાસ અને એકતા સ્થાપવાનું કાર્ય તેમના માટે પ્રાથમિક છે. પૂર્વ ડેપ્યુટી પ્રેસિડેન્ટ રિગાથી ગાચાગુઆએ રુટો સામે આદિવાસી રાજકારણ ખેલવાનો આક્ષેપ લગાવ્યો હતો.