નાઈરોબીઃ કેન્યા અને યુનાઈટેડ કિંગ્ડમ નાઈરોબી રેલવે સિટી અને આફ્રિકા ગ્રીન ઈન્ડસ્ટ્રિયાલાઈઝેશન ઈનિશિયેટિવ હેઠળ ક્લાઈમેટ એક્શન જેવા દ્વિપક્ષી પ્રોજેક્ટને પ્રાથમિકતાના ધોરણે આગળ વધારવા સંમત થયા છે. પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ કેન્યાસ્થિત યુકે હાઈ કમિશનર નીલ વિગાન સાથે મંત્રણાઓ પછી આ જાહે્રાત કરી હતી. બંને વચ્ચે સ્ટેટ હાઉસ નાઈરોબી ખાતે વાતચીત થઈ હતી. યુકે દ્વારા 30 બિલિયન શિલિંગ્સના ફંડ સાથે 2023માં શરૂ કરાયેલો નાઈરોબી રેલવે સિટી પ્રોજેક્ટ વિઝન2030 હેઠળ મુખ્ય પહેલ છે જેનો હેતુ વર્તમાન સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટની ભીડ ઘટાડવા, શહેરી અવરજવરને સુધારવા તેમજ રહેવાસીઓ અને મુલાકાતીઓને આધુનિક સવલતો પૂરી પાડવાનો છે. આ પ્રોજેક્ટની ડિઝાઈન બ્રિટિશ કંપનીએ કરી છે.
• માઈક્રોસોફ્ટનું સાઉથ આફ્રિકામાં $ 298 મિલિયનનું AI રોકાણ
ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટ દ્વારા સાઉથ આફ્રિકામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) અને ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 298 મિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. માઈક્રોસોફ્ટે જાન્યુઆરીમાં એક મિલિયન સાઉથ આફ્રિકન્સને 2026 સુધીમાં AI અને સાઈબર સિક્યુરિટી ટ્રેનિંગની તક પૂરી પાડવાની જાહેરાત કરી હતી. કંપનીના વાઈસ ચેરમેન બ્રાડ સ્મિથે જોહાનિસબર્ગમાં દેશમાં ડેટા સેન્ટર્સમાં કુલ 1 બિલિયન ડોલરના રોકાણોની જાહેરાત કરી છે. કંપની 50,000 લોકો ક્લાઉડ આર્કિટેક્ચર, AI અને સાઈબર સિક્યુરિટીના કોર્સીસ અને સર્ટિફિકેશન પરીક્ષાઓ આપી શકે તે માટેનું ભંડોળ પણ પુરું પાડશે.
• મસ્કને લિસોથો સાથે બિઝનેસમાં રસ, ટ્રમ્પનો સહાયકાપ
પ્રેસિડેન્ટ ટ્રમ્પે આફ્રકન દેશ લિસોથોને સહાયમાં કાપ મૂકતા ટીપ્પણી કરી હતી કે ‘લિસોથો વિશે કોઈને કશી જાણ નથી.’ બીજી તરફ, ટ્રમ્પના જ વિશેષ સહાયક મંત્રી અને ઉદ્યોગપતિ એલન મસ્ક લિસોથો સાથે ઈન્ટરનેટ સર્વીસીસનો બિઝનેસ કરવા પ્રયાસ કરી રહ્યા છે. મસ્કની કંપની સ્ટારલિન્ક સહિતની યુએસ કંપનીઓએ ત્યાં બિઝનેસ કરવાના લાઈસન્સ મેળવવા અરજીઓ કરી છે. અમેરિકી હોટેલ ચેઈન મેરિઓટ લિસોથોના માસેરુમાં તેની પ્રથમ હોટેલ બાંધી રહી છે જ્યાં અમેરિકી દૂતાવાસ પણ છે. યુએસ માટે લિસોથો સબ-સહારન આફ્રિકાનું સૌથી મોટું ગારમેન્ટ નિકાસકાર છે. લિસોથોમાં અધિકારોને પ્રોત્સાહન આપવા 8 મિલિયન ડોલરની સહાય અપાય છે. બીજી તરફ, ટ્રમ્પની ટીપ્પણી સામે લિસોથો સરકારે ભારે નારાજી વ્યક્ત કરી છે.
• બેસિગ્યેની મુક્તિ માટે નાઈરોબીમાં દેખાવો
યુગાન્ડામાં 2026ની પ્રમુખપદની ચૂંટણીઓ પહેલા વિપક્ષી નેતાઓનું વર્ચસ્વ ખતમ કરવાના હેતુસર પીઢ રાજનેતા કિઝા બેસિગ્યે સહિતના નેતાઓને જેલભેગા કરાયા હોવાનો આક્ષેપ મૂકાયો છે. બેસિગ્યેને મુક્ત કરવા લો સોસાયટી ઓફ કેન્યા અને કેન્યા મેડિકલ પ્રેક્ટિશનર્સ એન્ડ ડેન્ટિસ્ટ યુનિયનના સહકારથી નાઈરોબીમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ દેખાવોમાં યુગાન્ડાના પ્રમુખ મુસેવેનીના આપખુદ શાસન સામે પણ પ્રહારો કરાયા હતા. બેસિગ્યે સામે દેશદ્રોહનો નવો આરોપ દાખલ કરાયો છે. કિઝા બેસિગ્યે 1986થી સત્તા પર રહેલા મુસેવેની સામે ચાર વખત પ્રમુખપદની ચૂંટણી લડ્યા છે.